બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકોમાંથી એનડીએને ૨૦૨ અને મહાગઠબંધનને ૩૫ સીટ મળી છે. મતલબ કે, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ લગભગ ૮૩ ટકા બેઠકો જીતી છે. બિહારમાં ભાજપ-જેડીયુ જીતશે પણ આરજેડી-કોંગ્રેસ સહિતના પક્ષો જોરદાર ફાઈટ આપશે એવું મનાતું હતું પણ આવી જબરદસ્ત જીત થશે એવી કોઈને કલ્પના નહોતી એ જોતાં એનડીએની જીત કલ્પનાતિત છે. આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનની આવી કારમી હાર થશે એવી પણ કોઈને કલ્પના નહોતી એ જોતાં મહાગઠબંધન માટે આ હાર અત્યંત આઘાતજનક છે.
બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો જીતનારા આરજેડીને આ વખતે માંડ ૨૫ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસ તો બે આંકડે પણ પહોંચી શકી નથી. ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા જેવા પ્રાદેશિક નેતાઓ કોંગ્રેસને પછાડી ગયા છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી તો ક્યાંય આગળ નીકળી ગઈ છે પણ બીજા મર્યાદિત પ્રભાવ ધરાવતા પક્ષો પણ કોંગ્રેસ કરતાં સારો દેખાવ કરીને ચડિયાતા સાબિત થયા છે. કોંગ્રેસ કરતાં તો વધારે સારો દેખાવ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ કર્યો છે એ જોતાં કોંગ્રેસ માટે તો આ પરિણામ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવા છે.
આ ચૂંટણીમાં નીતિશ કુમાર ડૂબી જશે એવું પણ મનાતું હતું પણ નીતિશ તરી ગયા છે. બિહારમાં છેલ્લાં ૨૦ વર્ષથી નીતિશ કુમારનો દબદબો છે અને આ વખતે પણ નીતિશનો દબદબો જળવાયો છે. ૨૦૦૫થી બિહારના મુખ્યમંત્રી નીતિશે વચ્ચે રાજીનામાનું નાટક કરીને જીતનરામ માંઝીને સવા વરસ માટે મુખ્યમંત્રી બનાવેલા પણ તે બાદ કરતાં નીતિશ ગાદી પર રહ્યા છે એ જોતાં નીતિશને મુખ્યમંત્રીપદે લગભગ ૧૯ વર્ષ થઈ ગયાં. ભારે તિકડમબાજ નીતિશ કુમાર કોઈ વાર ભાજપ તો કોઈ વાર લાલુ પ્રસાદ યાદવના ખોળામાં બેસીને સત્તા પર ટકી રહ્યા છે. નીતિશની જેડીયુએ શાનદાર દેખાવ કર્યો છે એ જોતાં આ વખતે પણ નીતિશ મુખ્યમંત્રી બને તો નવાઈ નહીં લાગે.
ભાજપ વરસોથી બિહારમાં એકલા હાથે સત્તા કબજે કરવા મથે છે પણ ફાવતો નથી કેમ કે બિહારમાં ભાજપ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી ૧૨૨ બેઠકો પર પણ લડતો નથી. આ વખતે ભાજપે સૌથી વધારે બેઠકો જીતી છે પણ નીતિશને સત્તામાંથી હટાવવા અઘરા છે એ જોતાં ભાજપ શું કરશે એ જોવાનું છે. આ વાંચતા હશો ત્યારે નીતિશ ફરી ગાદી પર બેસશે કે ભાજપના ભાગમાં મુખ્યમંત્રીપદ જાય છે એ સ્પષ્ટ થઈ ગયું હશે તેથી એ ચર્ચાનો અર્થ નથી.
બિહારમાં લાલુનું બોર્ડ પતી ગયું ?
બિહારના રાજકારણ પર છેલ્લા સાડા ત્રણ દાયકાથી છવાયેલા લાલુપ્રસાદ યાદવના પરિવારના રાજકીય અસ્તિત્વ સામે આ પરિણામોએ સૌથી મોટો ખતરો ઉભો કરી દીધો છે. લાલુ પ્રસાદ યાદવનો પરિવાર આ ચૂંટણીમાં ભવ્ય કમબેક કરશે અને ફરી બિહારમાં સત્તાના તખ્ત પર બિરાજમાન થશે એવું મનાતું હતું પણ બિહારનાં પરિણામોએ લાલુના પરિવારનું રાજકીય ભાવિ સાવ અંધકારમય બનાવી દીધું છે. યાદવ પરિવારમાંથી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. હવે તેમનો દીકરો તેજસ્વી પણ ગાદી પર બેસશે અને યાદવ પરિવારની નવી પેઢીના હાથમાં બિહારની સત્તાનાં સુકાન આવશે એવી વાતો જોરશોરથી ચાલેલી પણ આરજેડીને માત્ર ૨૫ બેઠકો મળતાં હવે યાદવ પરિવારનું શું થશે એ મુદ્દો ચર્ચામાં છે. આરજેડી કરતાં સારો દેખાવ તો ચિરાગ પાસવાનની પાર્ટીએ કર્યો છે.
લાલુ પરિવારની બાદશાહત ખતમ થઈ એ માટે યાદવ પરિવારનો બેફામ ભ્રષ્ટાચાર જવાબદાર મનાય છે. લાલુ પ્રસાદ ૧૯૯૦માં બિહારના મુખ્યમંત્રી બન્યા પછી સળંગ ૧૫ વર્ષ લગી બિહારમાં એકહથ્થુ સત્તા ભોગવી હતી. આ એકહથ્થુ સત્તાનો દુરુપયોગ કરીને યાદવ પરિવારે બેફામ ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ઘરભેગા કર્યા છે. લાલુએ મુખ્યમંત્રી બનતાં જ ૧૯૯૦ના દાયકામાં ઘાસચારા કૌભાંડ કરેલું ને અબજો રૂપિયા ઘરભેગા કરી દીધેલા.
લાલુ ૧૯૯૦માં પહેલી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા ત્યારથી શરૂ થયેલા ઘાસચારા કૌભાંડની વરસો લગી તો કોઈને ગંધ પણ નહોતી આવી. ૧૯૯૬માં તેમનાં પાપ છાપરે ચડીને પોકાર્યાં પછી તેમણે બિહારની ગાદી છોડવી પડેલી. જો કે લાલુને કોઈ ફરક ના પડ્યો કેમ કે તેમણે પોતાની સાવ અભણ બૈરી રાબડી દેવીને ગાદી પર બેસાડીને બિહાર પર વર્ચસ્વ જમાવી રાખ્યું, રાબડી દેવી આઠ વરસ મુખ્યમંત્રી રહ્યા એ દરમિયાન બિહારના વાસ્તવિક મુખ્યમંત્રી તો લાલુ જ હતા. ભાજપ અને નીતિશ કુમારે બહુ મહેનત કરીને ૨૦૦૫માં આરજેડીને પરાજય આપ્યો છતાં લાલુનું વર્ચસ્વ નહોતા તોડી શક્યા. તેના માટે નીતિશ જવાબદાર છે કેમ કે ભાજપ સાથે બગડ્યું ત્યારે સત્તા ટકાવવા લાલુની પંગતમાં બેસીને તેમને ફરી બેઠા કર્યા.
લાલુ મોટા ખેલાડી છે.
લાલુએ બિહારમાં સત્તા ગઈ એ પહેલાં જ કોંગ્રેસ સાથે જોડાણ કરી દીધેલું તેથી ૨૦૦૪માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતાં જ લાલુ રેલવે પ્રધાન તરીકે ગોઠવાઈ ગયેલા. લાલુએ રેલવે પ્રધાન તરીકે પણ બેફામ ભ્રષ્ટાચાર કર્યો અને સીબીઆઈ પર દબાણ લાવીને પોતાની સામેના કેસોમાં કુલડીમાં ગોળ ભાંગીને ક્લીન ચીટ મેળવી લીધેલી.
સદ્નસીબે ભારતમાં ન્યાયતંત્ર સાબૂત છે તેથી સીબીઆઈની ક્લીન ચીટ માન્ય ના રહી અને તેમની સામેના કેસો પાછા ના ખેંચાયા. લાલુએ તેનાથી વિચલિત થયા વિના ભ્રષ્ટાચાર ચાલુ રાખ્યો અને ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન રેલવે પ્રધાન હતા ત્યારે રેલ્વે મંત્રાલયની જગન્નાથ પુરી અને રાંચીની બે હોટલો આઈઆરસીટીસીને સોંપાયેલી. આ બંને હોટલોના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પટણાની સુજાતા હોટલ્સ નામની કંપનીને અપાયેલો.
આ કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડરમાં ઘાલમેલ કરાઈ તેના બદલામાં કંપનીએ પટણામાં સોનાની લગડી જેવી ત્રણ એકર જમીન ડીલાઈટ માર્કેટિંગ નામની કંપનીને માત્ર રૂપિયા ૩૨ લાખમાં આપી દીધી. એક હજાર કરોડ રૂપિયાથી વધારેની જમીન જે કંપનીને અપાયેલી એ લાલુના દીકરાની હતી. આ સિવાય રેલવે વિભાગમાં નોકરી આપવાના બદલામાં ઈચ્છુકો પાસેથી જમીનો પણ લખાવી લેવાયેલી. આ રીતે કરોડોની જમીનો લાલુના પરિવારે પચાવી પાડેલી. બીજા આવા પણ ઘણા કૌભાંડો લાલુના શાસનમાં થયા ને તેમાં તેમનો પરિવાર ફસાયેલો જ છે. ઘાસચારા કૌભાંડને લગતા એક કેસમાં પટણાની સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને પાંચ વર્ષની સજા ફટકારી છે. તેના કારણે લાલુ પ્રસાદ પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ આવી ગયો છે પણ દીકરાને આગળ કરીને લાલુ પોતાની દુકાન ચલાવે છે.
લાલુ યાદવના પરિવારના બીજા લોકો સામે પણ કેસો ચાલે છે છતાં લાલુનો પરિવાર આજે પણ બિહારના રાજકારણમાં મહત્વનું પરિબળ છે કેમ કે લાલુ પાસે યાદવો અને મુસ્લિમોની મતબેંક છે. તેના કારણે અત્યાર સુધી લાલુની આરજેડી સાવ પતી નહોતી ગઈ. બલ્કે ૨૦૧૫માં નીતિશે ભાજપને પછાડવા ને ખાસ તો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા લાલુને શરણે આવવું પડેલું. એ પછી ૨૦૨૨માં પણ નીતિશ પાછા લાલુના પડખામાં ભરાઈ ગયેલા તેથી લાલુ સાવ પતી નહોતા ગયા પણ આ વખતના પરિણામો લાલુ યાદવના વળતાં પાણીના સંકેત આપનારા છે તેમાં બેમત નથી.
લાલુનો પરિવાર પતી જાય તો અફસોસ કરવા જેવો નથી કેમ કે બિહાર માટે લાલુનો પરિવાર મોટી પનોતી છે. બિહારમાં રાજકારણનું અપરાધીકરણ કરનારા લાલુ યાદવે ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર છોડી નથી ને રાજકીય ફાયદા માટે કોમવાદને પણ ભડકાવ્યો છે. રાજકીય સ્વાર્થને ખાતર પહેલાં જ્ઞાતિવાદ ને પછી કોમવાદને ભડકાવનારા લાલુના પરિવારે બિહારને પછાત જ રાખેલું. લાલુનો દીકરો તેજસ્વી પણ એવો દમદાર નથી અને લાલુના રસ્તે જ ચાલી રહ્યો છે એ જોતાં આ પરિવાર પતી જશે તો બિહારમાં નવી નેતાગીરી ઉભી થશે ને બિહારને ફાયદો થશે.











































