ભારતમાં ભગવાન શિવના અનેક શિવાલય પૈકી પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વરમાં બિલ્વગંગા નદી તટે બિરાજતા સ્વયંભૂ બિલનાથ મહાદેવ ખાસ સ્થાન ધરાવે છે. શિવ મંદિરના પ્રાંગણમાં બિરાજતા વિશાળકાય નંદીના દર્શન કરવા માત્રથી અનેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
હરિયાળા પહાડ, લીલાછમ ખેતરો અને બિલ્વગંગા નદીના કિનારે બિરાજમાન બિલનાથ મહાદેવ મંદિર આશરે ૧૩૦૦ વર્ષથી પણ વધુ પૌરાણિક મનાય છે. બિલનાથ મહાદેવ મંદિરનું નિર્માણ રાજસ્થાનના બુન્દાકોટી શહેરના રાજા સુરજમલ હાડા નામના રાજવીએ કરાવ્યું હતું. પૌરાણિક કથાનુસાર મંદિરની પ્રથમ પૂજા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તિના હેતુસર કરી હતી, પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રીકૃષ્ણએ શિવલિંગ પર સવા લાખ કમળ ચઢાવીને પૂજા કરી હતી. પૂજામાં શુદ્ધ જળ ચઢાવવા માટે માતા ગંગાને સ્વયં પ્રગટ કર્યાં હતાં એટલે જ બિલનાથ મહાદેવના શિવલિંગની પાછળ માતા ગંગા અને પાર્વતી બિરાજમાન છે.
પૂજન વિધિમાં સવા લાખ કમળ ચડાવતા સમયે એક કમળ ઓછું પડતા ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું નેત્ર કટાર વડે કાઢવા જતા, ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રીકૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાન આપ્યા હતા અને મહાદેવના વરદાનથી ભગવાન કૃષ્ણના ઘરે પુત્ર પ્રાપ્તિ થઇ હતી. બિલેશ્વરમાં જ બિલનાથ મહાદેવ નજીક બિલ્વગંગા નદી આવેલી છે, ત્યાં અસંખ્ય બીલીના વૃક્ષ છે. ભક્તો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે. દરેક શિવ મંદિરમાં શિવની સમીપ નંદી બિરાજમાન હોય છે, જ્યારે બિલનાથ મહાદેવ મંદિરમાં શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર નંદી બિરાજમાન છે. અહીં નંદીની કથા અલગ અને અનોખી છે, મહમદ ગઝની પોતાના લશ્કર સાથે સોમનાથ સહિતનાં શિવાલયોને તોડી પાડવા નીકળ્યો અને શિવ મંદિરો તોડતાં તોડતાં બિલેશ્વરના બિલનાથ મહાદેવ સુધી લશ્કર સાથે પહોચ્યો, ત્યારે નંદીએ બિલનાથ મહાદેવ પાસે મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઈ મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરા કાઢી મહમદ ગઝની અને તેના લશ્કરને ભગાડ્‌યું હતું. વિશાળકાય નંદી સ્વયં ભગવાન બિલનાથ મહાદેવના આદેશથી મંદિરની બહાર પ્રાંગણમાં બિરાજ્યા છે, માન્યતા પ્રમાણે કોઈપણ ભક્ત નંદી મહારાજની ચાર પ્રદક્ષિણા કરી, તેમના કાનમાં પ્રાર્થના કરે તો નિર્ધારિત અનેક મનોકામના પૂર્ણ થાય છે. બિલનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પાછળ બે અખંડ જ્યોત મુકેલી છે, અખંડ જ્યોત પોરબંદર અને જામનગરના મહારાજાએ ૧૮૬૫માં વિશ્વ શાંતિ માટે મૂકી હતી.
આ મંદિરના પટાંગણમાં ધનકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. ધનકેશ્વર મહાદેવ મદિર સાથે પણ એક કથા જોડાયેલી છે. આશરે ૧૩૦૦ વર્ષ પૂર્વે રાજસ્થાનના બુન્દાકોટી શહેરના રાજા સૂરજમલ હાડાએ બિલેશ્વર મંદિરનુ નિર્માણ કર્યું, એ દરમિયાન મંદિરના નિર્માણ કાર્ય માટે રાજકોષમાંથી રૂપિયા, સોના-ચાંદીના આભૂષણો આપ્યા હતા. મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ રાજાએ આપેલા રૂપિયા, સોના-ચાંદીના આભૂષણો વધ્યા હતા. ત્યારે આ વધેલા રૂપિયા, સોના-ચાંદીના આભૂષણો રાજકોષમાં પરત લઇ જવાની મનાઈ હોવાથી વધેલા રૂપિયા, સોના, ચાંદીના આભૂષણોના ઉપયોગ માટે બિલેશ્વર મંદિરના પટાંગણમાં જ આ મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું હતું. આમ, વધેલા રૂપિયા, સોના-ચાંદીના આભૂષણોથી મંદિર બનાવ્યું હતું એટલે મંદિરનું નામ ધનકેશ્વર મહાદેવ રખાયું.
સામાન્ય રીતે મહાદેવ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવાતો નથી, પરંતુ બિલેશ્વર મહાદેવની પ્રથમ પૂજા ભગવાન શ્રીકૃષ્ણએ કરી હોવાથી બિલેશ્વર મંદિરમાં દર શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. રાતના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ બાદ બિલેશ્વર દાદાની આરતી કરાય છે. બિલ્વગંગા નદી તટે બિરાજતા બિલનાથ મંદિરમાં દરરોજ સવાર-સાંજ મંત્રોચ્ચાર સાથે ભગવાન બિલનાથ, ગંગામાતા અને પાર્વતીમાતાની મહિમા પૂજા થાય છે, દીવાની ઝળહળતી જ્યોત, ગૂગળના ધૂપ અને ઢોલ, નગારાં, શંખનાદ સાથે ભક્તિમય માહોલમાં દાદાની આરતી થાય છે. આરતી સમયે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, આરતી બાદ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે જયઘોષ બોલાય છે. એક સમયે અહીં બીલીવૃક્ષનું વન હતું, તે આજે બિલેશ્વર ગામ છે અને બિલનાથ મહાદેવ મંદિર પોરબંદર જિલ્લાના બીજા મંદિરોથી અલગ જ વિશેષતા ધરાવે છે. sanjogpurti@gmail.com