બાળાસાહેબ ઠાકરેના સિધ્ધાંતો શું હતા ?

મહારાષ્ટ્રમાં અંતે સત્તાપરિવર્તન થઈ ગયું.

શિવસેનાના સ્થાપક બાળાસાહેબના પુત્ર ઉધ્ધવ ઠાકરેને ઉથલાવીને એકનાથ શિંદે ભાજપના ટેકાથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા. શિંદે પોતાને સાચા શિવસૈનિક ગણાવે છે અને હવે શિવસેના ફરી બાળાસાહેબના સિધ્ધાંતો પર ચાલશે એવો દાવો કરે છે.

બાળાસાહેબ ઠાકરેના સિધ્ધાંતો શું હતા ?

આ મુદ્દો અત્યારે ગરમ છે કેમ કે ભાજપ સતત એક વાત કર્યા કરે છે કે, ઉધ્ધવે સત્તાને ખાતર બાળાસાહેબના સિધ્ધાંતોને બાજુ પર મૂકી દીધા છે. એકનાથ શિંદે પણ એ જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, ઉધ્ધવે કોંગ્રેસ-એનસીપી સાથે હાથ મિલાવીને બાળાસાહેબના સિધ્ધાંતોને ભૂલાવી દીધા પણ પોતે સાચા શિવસૈનિક છે, બાળાસાહેબના સાચા શિષ્ય છે તેથી શિવસેનાને ફરી બાળાસાહેબના સિધ્ધાંતો પર ચલાવશે, સાચી શિવસેના બનાવશે, હિન્દુત્વના રસ્તે ચલાવશે.

આ કારણે બાળાસાહેબના સિધ્ધાંતો ચર્ચામાં છે.

રાજકારણીઓ સિધ્ધાંતોના નામે લોકોને ભોળવ્યા કરતા હોય છે. ભાજપના નેતા અને શિંદે સહિતના શિવસેનાના બળવાખોરો પણ એ જ ધંધો કરી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે, બાળાસાહેબના કોઈ સિધ્ધાંતો જ નહોતા.

બાળાસાહેબ ટીપીકલ રાજકારણીઓની જેમ પવન પ્રમાણે સઢ ફેરવવામાં માહિર હતા ને સિધ્ધાંતો સાથે તેમને કોઈ લેવાદેવા નહોતી. સમય પ્રમાણે તેમણે સિધ્ધાંતો બદલ્યા ને રાજકીય ફાયદો લીધો એ જોતાં બાળાસાહેબના નામે સિધ્ધાંતોની વાત કરવાથી વધારે હાસ્યાસ્પદ બીજું કંઈ ના કહેવાય. શિંદેને ઉધ્ધવ એનસીપી-કોંગ્રેસ સાથે બેસી ગયા તેનો વાંધો છે પણ બાળાસાહેબ તો મુસ્લિમ લીગ સાથે પણ બેસી ગયેલા. તેના પરથી જ બાળાસાહેબની સિધ્ધાંતનિષ્ઠા કેવી હશે તેનો અંદાજ લગાવી લેજો.

////////////////

શિવસેનાની સ્થાપના 19 જૂન, 1966ના રોજ થઈ.

શિવસેના એ વખતે કટ્ટર  પ્રદેશવાદને વરેલું સંગઠન હતું. મુંબઈમાં મરાઠીભાષીઓને અન્યાય થાય એવી લાગણી મુંબઈના મરાઠીભાષીઓમાં પ્રબળ બનતી જતી હતી. બહારના લોકો ચડી બેઠા છે અને મરાઠીભાષીઓ માટે નોકરીઓ જ નથી એવો અસંતોષ મરાઠીભાષી લોકોમાં હતો. તેનો લાભ લેવા માટે બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી.

શિવસેનાને ત્યારે હિંદુવાદ સાથે નાહવા-નિચોવવાનો સંબંધ નહોતો. મરાઠીભાષી ના હોય એવા હિંદુ હોય કે બીજા ધર્મનાં લોકો હોય, બધા શિવસેના માટે દુશ્મન જ હતા. ગુજરાતી, યુપી-બિહારનાં લોકો, દક્ષિણ ભારતીયો બધાં શિવસેના માટે દુશ્મન જ હતાં.

શિંદેને અત્યારે કોંગ્રેસ સામે વાંધો છે પણ શિવસેનાની સ્થાપના વખતે કોંગ્રેસના અંદરખાને આશિર્વાદ હતા જ. બાળાસાહેબ
ઠાકરેએ કોંગ્રેસના આશિર્વાદથી જ શિવસેનાની સ્થાપના કરી હતી. શિવસેનાની સ્થાપના દિવસે સૌથી પહેલી સભાને કોંગ્રેસના નેતા રામરાવ આદિકે સંબોધન કરેલું.

શિવસેનાએ ગુંડાગીરીના જોરે બહુ જલદી પોતાની ધાક જમાવી દીધી હતી. શિવસેના બીજાં રાજ્યોના હિંદુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ બધાંને નિશન બનાવતી હતી. શિવસેનાના મસલ પાવરને કારણે  કોંગ્રેસને તેમાં વધારે રસ પડ્યો કેમ કે મુંબઈમાં બીજાં પક્ષોનું પ્રભુત્વ તોડવામાં તેમને રસ હતો.

મુંબઈમાં એ વખતે કાપડની મિલો ધમધમતી હતી. આ મિલોમાં હડતાળો બહુ થતી. મિલ કામદારોનાં યુનિયનો પર સામ્યવાદી સંગઠનોનો અંકુશ હતો. યુનિયન લીડર્સ મિલ માલિકોનાં નાક દબાવીને પૈસા ઓકાવવા છાસવારે હડતાળો પડાવતા. મુંબઈનાં બંદર, રેલ્વે ને બીજે બધે ઠેકાણે યુનિયન લીડર્સની પકડ હતી.

મિલમાલિકો, કોન્ટ્રાક્ટરો વગેરે માલદારો યુનિયનોથી પરેશાન હતા તેથી તેમને પણ શિવસેનામાં રસ પડીગયો. બાળાસાહેબ તેમને સામ્યવાદી યુનિયનોને પછાડનારા તારણહાર લાગતા હતા એટલે તેમણે બાળાસાહેબના પગ પકડ્યા. કોંગ્રેસને પણ સામ્યવાદીઓનું વર્ચસ્વ તોડવામાં રસ હતો કે જેથી મિલ માલિકો પાસેથી તગડી રકમ ઓકાવી શકાય.

આ કારણે કોંગ્રેસે શિવસેનાને યુનિયનો બનાવવામાં મદદ કરી ને બાળાસાહેબનો સિક્કો જામે તેમાં પણ તન,મન, ધનથી સાથ આપ્યો.

આ શિવસેનાનો શરૂઆતનો ટૂંકો ઈતિહાસ છે. શિવસેના એ રીતે કોંગ્રેસની મહેરબાનીથી બની  છે.

////////////////

બાળાસાહેબે ચૂંટણી મેદાનમાં સિધ્ધાંતોને સાવ કોરાણે મૂકેલા છે.

શિવસેના 1971ની લોકસભા ચૂંટણી વખતે પહેલી વાર ચૂંટણીના મેદાનમાં ઉતરી ત્યારે ઈન્દિરા ગાંધીના વિરોધી મોરારજી દેસાઈની કોંગ્રેસ (ઓ) એટલે કે સંસ્થા કોંગ્રેસ સાથે જોડાણ કરેલું. શિવસેના 5 બેઠકો પર લડેલી પણ એકેય ઉમેદવાર નહોતો જીત્યો. ઈન્દિરાને 1071ની ચૂંટણીમાં ભવ્ય જીત મળતાં બાળાસાહેબ ઠાકરે મોરારજીને તડકે મૂકીને ઈન્દિરા ભણી ઢળ્યા.

1972માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બધાંને સાફ કરી નાખ્યા પછી તો બાળાસાહેબ ઠાકરે પૂરેપૂરા ઈન્દિરાના પગમાં આળોટી ગયેલા. 1975માં ઈન્દિરાએ કટોકટી લાદી ત્યારે તેને ખુલ્લો ટેકો આપેલો. બાળાસાહેબ ઠાકરે ગાઈ વગાડીને એક વાત કહેતા કે, આ દેશને સુધારવા માટે એક સરમુખત્યારની જરૂર છે. ઈન્દિરાએ કટોકટી વખતે સરમુખત્યારશાહી માનસિકતા બતાવી ત્યારે ઠાકરેએ તેનાં ભરપેટ વખાણ કરેલાં.

ભાજપ આજેય કટોકટીને ગાળો આપે છે પણ કટોકટીને ટેકો આપનારા ઠાકરે સાથે વરસો સુધી સત્તામાં ભાગીદારી કરવામાં તેને છોછ નહોતો. કટોકટી પછી આવેલી 1977ની ચૂંટણી શિવસેના નહોતી લડી પણ કોંગ્રેસને ખુલ્લો ટેકો આપેલો. ઠાકરે સહિતના શિવસેનાના નેતાઓએ કોંગ્રેસનો ખુલ્લો પ્રચાર કરેલો. 1980ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ પૂરી તાકાતથી કોંગ્રેસનો પ્રચાર કરેલો. વિધાનસભાની ચૂંટણીમાં પણ શિવસેના કોંગ્રેસ સાથે હતી. એ વખતે કહેવાતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ.આર. અંતુલે સાથેની નિકટતાના કારણે ઠાકરેએ કોંગ્રેસનો પ્રચાર કરેલો પણ આ વાતમાં દમ નથી. વાસ્તવમાં ઈન્દિરાનો દબદબો હતો તેથી બાળાસાહેબ ઠાકરે ઈન્દિરાના ભક્ત હતા.  અંતુલે મુખ્યમંત્રી બન્યા એ પહેલાં પણ કોંગ્રેસને ટેકો આપી જ ચૂક્યા હતા.

ઠાકરેના હિંદુત્વની વાતો કરતા શિંદે કે ભાજપના નેતા એક વાત કરતા નથી કે,  શિવસેનાએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા મુસ્લિમ  લીગનો સાથ પણ લીધેલો છે. મુસ્લિમ લીગના જી.એમ. બનાતવાલા સાથે એક મંચ પરથી સભાને પણ સંબોધી છે.

શિવસેનાએ ભાજપ સાથે છેક 1984ની લોકસભા ચૂંટણી વખતે પહેલી વાર જોડાણ કર્યું.  1989 પછી એ જોડાણ પાકું થયું પણ એ પહેલાં શિવસેનાને કોંગ્રેસ સહિતના કહેવાતા મુસ્લિમોને પંપાળનારા પક્ષો સાથે સારાસારી હતી. શરદ પવાર કોંગ્રેસમાં હતા તેથી બાળાસાહેબને પવાર સાથે પણ ગાઢ સંબંધો હતા.

////////////////

બાળાસાહેબે 1990ના દાયકામાં હિંદુત્વની લહેર પ્રબળ બનતી જોઈને ફરી સઢ બદલ્યો.

લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા 1989માં કાઢી એ પહેલાં વિશ્ન હિંદુ પરિષદ, બજરંગ દળ વગેરે સંગઠનોએ  દેશભરમાં રામમંદિરના નામે ઉન્માદ પેદા કરી દીધેલો. બાળાસાહેબ એ વખતે સમજી ગયા કે, દેશમાં હિંદુત્વનો સમય આવશે તેથી તેમણે બધાંને બાજુ પર મૂકીને ભાજપને પકડ્યો, મરાઠીભાષીઓની વાત બાજુ પર મૂકીને હિંદુઓની વાત કરવા માંડ્યા.

શિવસેના 1989 અને 1991માં ભાજપ સાથે મળીને લોકસભા અને મહારાષ્ટ્રની ચૂંટણી લડીહતી. 1991ની ચૂંટણી પહેલાં બોમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધી ગુજરી ગયા. કોંગ્રેસને સહાનુભૂતિનો લાભ મળ્યો ને નરસિંહરાવની સરકાર બની. ભાજપે ફરી રામમંદિરનો મુદ્દો ચગાવીને કારસેવાનો કાર્યક્રમ રાખ્યો. એ વખતે હઈસો હઈસો ચાલ્યું તેમાં 6 ડીસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ તૂટી ગઈ. ત્યારે ભાજપના નેતાઓ પાણીમાં બેસી ગયેલા. ભાજપના નેતા મસ્જિદ તૂટી તેની જવાબદારી લેવા તૈયાર નહોતા.

બાળાસાહેબ ઠાકરેએ તક જોઈને ઘા મારી દીધો.

બાળાસાહેબ ઠાકરે મરદની ભાષામાં વાત કરીને ડંકે કી ચોટ પર કહેલું કે, શિવસૈનિકોએ બાબરી મસ્જિદ તોડી હોય તો તેનો મને ગર્વ છે. બાબરી મસ્જિદ ભાજપ અને તેના પીઠ્ઠુ હિદુંવાદી સંગઠનોના કાર્યક્રમના કારણે તૂટેલી પણ જેલમા જવાનું થશે એ વાતે એ ફફડી ગયા હતા ત્યારે બાળાસાહેબે તેની જવાબદારી ખુલ્લેઆમ લીધી તેથી હિંદુવાદીઓના પ્રિય બની ગયા.

બાળાસાહેબને આ હિંદુવાદી ઈમેજમાં ફાયદો લાગ્યો તેથી એ હિંદુવાદી બની ગયા. બાબરી મસ્જિદ પછી થયેલાં તોફાનો, 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ વગેરે ઘટનાઓના કારણે બાળાસાહેબને હિંદુવાદી ઈમેજને મજબૂત કરવાની તક મળી ગઈ. તેમણે તકનો ફાયદો લીધો ને તેનો ભરપૂર રાજકીય ફાયદો થયો તેથી પછી એ આજીવન હિંદુવાદી રહ્યા પણ પણ એ મૂળભૂત રીતે હિંદુવાદી હતા, હિંદુત્વની વિચારાધારા કે સિધ્ધાંતોમાં માનતા એ વાતમાં દમ નથી.

કોંગ્રેસ-એનસીપી ને શિવસેનાના જોડાણ વખતે પણ બાળાસાહેબના સિધ્ધાંતોની બહુ દુહાઈઓ અપાઈ હતી.  શિવસેના સત્તા માટે હિંદુ વિરોધી કોંગ્રેસ-એનસીપીના પડખાઈમાં ભરાઈ ગઈ તેથી બાળાસાહેબનો આત્મા દુઃખી હશે એવી વાતો બહુ ચાલેલી.  જેમનું જ્ઞાન છેલ્લા દસ-પંદર વર્ષના રાજકારણથી આગળ વધ્યું જ નથી  તેમને આ જોડાણથી આઘાત લાગેલો કેમ કે તેમને મન શિવસેના ભાજપ કરતાં પણ વધારે હિંદુવાદી પક્ષ હતો જ્યારે કોંગ્રેસ મુસ્લિમોને પંપાળનારી પાર્ટી છે. શિવસેનાએ જોડાણ પહેલાં કોંગ્રેસને ગાળો દેવામાં કોઈ કસર છોડી નહોતી તેના કારણે શિવસેના ગમે તે કરે પણ કોંગ્રેસ સાથે ના જ બેસે એવું એ લોકો માનતા હતા. તેના કારણે તેમને આઘાત લાગેલો પણ એ લોકોને ખબર નહોતી કે, ઉધ્ધવ તો હમણાં કોંગ્રેસ-એનસીપી સાથે બેઠો, બાળાસાહેબ તો વરસો લગી કોંગ્રેસ સાથે  રહેલા.

બાળાસાહેબ માટે સત્તાપ્રાપ્તિ લક્ષ્ય હતું ને તેના માટે કોઈની સાથે પણ બેસવામાં તેમને છોછ નહોતો.

શિંદે પણ કદાચ બાળાસાહેબના આ જ સિધ્ધાંતો પર ચાલવાની વાત કરી રહ્યા છે પણ આપણે ખોટું સમજ્યા હોય એવું બને.