બાળકના વિકાસમાં પૌષ્ટિક ખોરાકનું ખૂબ મહત્વ રહેલું છે. બાળકને દિવસેને દિવસે મોટું થવાનું છે. બાળકના વૃદ્ધિ વિકાસ ઉંમર પ્રમાણે થવા જોઈએ. યોગ્ય વૃદ્ધિવિકાસ ત્યારે જ શક્ય બને જયારે બાળક પૌષ્ટિક ખોરાક લેતું હોય. બાળકને કેલરી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને દરેક પ્રકારના વિટામિન્સની જરૂરીયાત રહેલી છે, આ બધુ તેને પૌષ્ટિક ખોરાકમાંથી જ મળે છે. જયારે સમાજમાં એવું બને છે કે નાના બાળકોને માતા પિતા કે દાદા-દાદી જે ભાવતું હોય તે જ ખવડાવે છે. પરિણામે નાનપણથી જ બાળકના મનમાં એવું થઈ જાય છે કે, જે ભાવતું હોય તે જ ખાવું. જેથી તે ભાવતું ભોજન જ ખાતું હોય છે. દરેક પ્રકારનો પૌષ્ટિક ખોરાક લેતું નથી, જેની વિપરીત અસર બાળકના સ્વાસ્થ્ય, યાદશક્તિ, તંદુરસ્તી અને વૃદ્ધિવિકાસ પર થાય છે. શ્રી માતાજી કહે છે કે, “ માતાપિતાએ બાળકોને ખાસ બે વસ્તુઓ શીખવવાની રહે છે. એક તો એ કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાવું અને બીજુ એ કે જે કંઈ આપણે ખાઈએ છીએ તે શરીરના આરોગ્યની જાળવણી માટે છે, નહિ કે જીભના સ્વાદ માટે.” જે બાળકો ફકત સ્વાદ માટે જ ખાય છે તે સમય જતા જાડા બની જાય છે તે બાળકોમાં ઓબેસીટી જોવા મળે છે. આજના સમયમાં સ્વાદિષ્ટ ફાસ્ટફૂડ લેતા બાળકો વધતા જાય છે. અને અમેરિકામાં તો આવા દશથી ચૌદ વર્ષની ઉંમરના વધારે વજનવાળા બાળકોની સમસ્યા સર્જાઈ છે. જો આપણે અત્યારથી જાગૃત નહિ થઈએ તો ભવિષ્યમાં ભારત દેશના બાળકોમાં પણ જાડાપણાની સમસ્યા જોવા મળશે. આવું ન બને તે માટે બાળકને પણ સમજાવવું જોઈએ કે, પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ.
આ પૌષ્ટિક ખોરાક બાળકને સુપાચ્ય હોવો જોઈએ. માતાપિતાએ નાનપણથી જ બાળકને એવી રુચિ કેળવવી જોઈએ કે તેને સાદો પૌષ્ટિક ખોરાક જ ગમે. નકામી કચરા જેવી ચટાકેદાર વાનગીઓ પ્રત્યે જો નાનપણથી જ અરુચિ કેળવી હશે તો તેને તે જીવનભર કામ લાગશે. ટેસ્ટી, નકામી પેટ બગાડે તેવી વાનગી ખાવી જોઈએ નહિ તે પ્રત્યે તે સભાન હશે. સાથે સાથે માતાપિતા માટે શ્રી માતાજી કહે છે કે ખોરાકને તમારે દબાણ કે સજા કે પ્રલોભનનું કારણ બનાવવો જોઈએ નહિ. “આજે તે તોફાન કર્યું છે એટલે તને નાસ્તો આપવામાં આવશે નહિ.” શ્રી માતાજી કહે છે કે, “આ રીતે તમે બાળકની નાનકડી ચેતના ઉપર એ છાપ પાડો છો કે તમે તેને ખોરાક તેની ખાવાની લાલસા
તૃપ્ત કરવા માટે જ આપો છો. પણ ખોરાક એ તેના શરીરને સારી રીતે કામ કરતું રાખવા માટે અનિવાર્ય છે, એ વાત તેને ધ્યાનમાં આવવા દેતાં નથી. “ આ રીતે સજા કરવી અને બાળકને ભૂખ્યું રાખવું એ ગુનો છે. બાળકના કુમળા મન ઉપર આની વિપરીત અસર થાય છે. એના કરતાં તેને પ્રેમથી સમજાવીને ખોટું કરતું હોય એમાંથી પાછું વાળી લેવાથી તે પછી ક્યારેય આવી ભૂલ બીજી વાર કરશે નહિં. એ જ રીતે બાળકને એમ પણ કહેવામાં આવતું હોય છે કે, “ જો તું આટલું કામ કરીશ તો તને આ ખવડાવીશ કે તે ખવડાવીશ.” બાળકના મનમાં એમ ગ્રંથી બંધાઈ જાય છે કે કામ કરીએ તો જ સારૂ સારૂ ભોજન મળે તે પણ ખોટું છે. આથી માતાપિતાએ બાળક માટે કામ કરીશ તો જ હું તને આ ભોજન આપીશ તેવું ક્યારેય કહેવું જોઈએ નહિં. બાળકને પૌષ્ટિક ભોજન ખાવાની ટેવ પાડવી જોઈએ. વૃદ્ધિ વિકાસ માટે પૌષ્ટિક આહાર બાળકને પૂરતો મળી રહે તે ખૂબ જરૂરી છે. તે માટેની ખાતરી કરવા માટે સમયાંતરે બાળકનું વજન માપવાથી ખ્યાલ આવે છે કે, બાળકને કોઈ પણ કારણસર (માંદગી) આહાર પૂરતો મળતો ન હોય તો વજન વધતું નથી.