બાલેન શાહે નેપાળના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. આ સાથે, તેઓ આ હિમાલયી દેશમાં ટોચના કાર્યકારી પદ સંભાળનારા સૌથી યુવા ચૂંટાયેલા નેતા બન્યા છે. અગાઉ, રાષ્ટÙપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, રાષ્ટÙપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ ૭૬ (૧) હેઠળ રાષ્ટીય સ્વતંત્ર પાર્ટીના નેતા બાલેનને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. ૩૫ વર્ષીય રેપરથી રાજકારણી બનેલા બાલેન મધેસી પ્રદેશના પ્રથમ વડા પ્રધાન પણ બન્યા.
ગયા વર્ષના જનરલ-ઝેડ વિરોધ પછી નેપાળમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. તેમની પાર્ટી, આરએસપીએ જંગી જીત મેળવી હતી.આરએસપી, જેણે બાલેનને તેના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, તેણે જંગી જીત મેળવી હતી, જેમાં પ્રતિનિધિ ગૃહ ની ૨૭૫ બેઠકોમાંથી ૧૮૨ બેઠકો જીતી હતી. પ્રતિનિધિ ગૃહના ૨૭૫ સભ્યોમાંથી, ૧૬૫ સીધા મત દ્વારા અને ૧૧૦ પ્રમાણસર મતદાન પ્રણાલી દ્વારા ચૂંટાય છે.
કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેને ઝાપા-૫ મતવિસ્તારમાંથી ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીને ભારે મતથી હરાવ્યા હતા. દરમિયાન, એવું માનવામાં આવે છે કે બાલેન એક નાનું મંત્રીમંડળ બનાવશે, જેમાં મંત્રીઓની સંખ્યા ૧૫ થી ૧૮ ની વચ્ચે રહેવાની શક્યતા છે.
બાલેન શાહનો જન્મ ૨૭ એપ્રિલ, ૧૯૯૦ ના રોજ નેપાળની રાજધાની કાઠમંડુમાં થયો હતો. બાલેને સિવિલ એન્જનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, પરંતુ રેપમાં તેમની ઊંડી રુચિને કારણે, તેઓ રેપર બન્યા. તેમણે તેમના ગીતો દ્વારા સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. બાલેન શાહે ૨૦૨૨ ની કાઠમંડુ મેયરની ચૂંટણી લડીને તેમની સક્રિય રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે કોઈ રાજકીય પક્ષ માટે ચૂંટણી લડી ન હતી, પરંતુ સ્વતંત્ર ઉમેદવાર તરીકે. બાલેન શાહે મેયરની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી.