બાબરા-ચમારડી હાઇવે પર લુણકી ગામના કાચા રસ્તા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવતી કારે એક્ટિવાને અડફેટે લેતા એક આધેડનું કરુણ મોત નિપજ્યું હતું. કલ્યાણભાઇ ભીખાભાઇ સોજીત્રા (ઉ.વ.૪૨)એ ફોરવ્હીલ ગાડી રજી. નં.GJ 18 GB 0287ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પિતા ભીખાભાઇ પોતાનું એક્ટિવા (રજી. નં. GJ-14-BC-૦૬૮૨) લઇને પોતાની વાડીએ મજૂરો માટે ચા, ખાંડ અને દૂધ આપવા જઇ રહ્યા હતા. આ દરમિયાન ચમારડીથી બાબરા તરફ જતી એક ફોરવ્હીલ કાર (રજી. નં. GJ-18-GB-૦૨૮૭) ના ચાલકે પોતાના કબજા હેઠળનું વાહન અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ભીખાભાઇના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમના પિતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જમણા પગના સાથળના ભાગે ફેક્ચર થયું હતું.ચહેરા પર નાક, હોઠ અને કાન પાસે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.