બાબરા સ્મશાન પાસે બાઈક પાર્ક કરવા મુદ્દે બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. રજાકભાઈ અલારખભાઈ પરમાર (ઉ.વ.૩૫)એ ગોપાલભાઈ કાબાભાઈ કલાણીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમના પિતા સાથે મોટરસાયકલ મુકવા બાબતે માથાકૂટ કરી ગાળો આપી હતી. આરોપી સ્મશાનના ગેટ પાસે બેઠો હતો ત્યારે ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું અને તેમને આડેધડ ઢીકાપાટુ માર્યા હતા. ઉપરાંત છરી વડે હુમલો કર્યો હતો તેમજ મુંઢમાર માર્યો હતો. જે બાદ ગોપાલભાઇ કાબાભાઇ કલાણીયા (ઉ.વ.૨૯)એ અલારખભાઈ પરમાર, રજાકભાઈ અલારખભાઈ પરમાર તથા એક યુવક મળી કુલ ત્રણ લોકો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘર પાસે આરોપી અલારખભાઈ સવારે ગાડી મુકતા હતા. જેથી તેમને ના પાડતાં ગાળો આપી હતી. રજાકભાઈએ પેન્ટના નેફામાંથી છરી કાઢી તેમને મારવા જતાં હાથ આડો રાખતાં આંગળીમાં ઈજા પહોંચી હતી, ઉપરાંત ધોકા વડે પણ મુંઢમાર માર્યો હતો. રજાકભાઈ અને તેના પુત્રએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.