બાબરા શહેરમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ભત્રીજાના મૃત્યુના સમાચાર સાંભળતા જ કાકાનું પણ હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. વિગતવાર માહિતી મુજબ, બાબરાની દ્વારકેશ સોસાયટીમાં રહેતા અને ટાયર-ટ્યુબના વ્યવસાય સાથે સંકળાયેલા હર્ષદભાઈ કાકુભાઈ છાટબારના ૪૩ વર્ષીય પુત્ર જેઠાભાઈનું તા. ૧૫ની મોડી સાંજે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. આ દુઃખદ સમાચાર તેમના કાકા પીયુષભાઈ કાકુભાઈ છાટબાર (ઉં.વ. ૫૧) ને ફોન દ્વારા મળતા જ તેઓ આઘાતમાં સરી પડ્‌યા હતા. પુત્ર સમાન ભત્રીજાના મોતના આઘાતને કારણે પીયુષભાઈને તાત્કાલિક છાતીમાં દુખાવો ઉપડ્‌યો હતો. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.