બાબરા-વાસાવડ હાઈવે પર નવા રોડ નિર્માણની કામગીરી અધૂરી અને અસ્તવ્યસ્ત રીતે થઈ હોવાને કારણે સ્થાનિક નાગરિકો, યાત્રિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ હાઈ-વે પર પુષ્ટિમાર્ગીય હવેલીનું ધરાઈ (બાલમુકુન્દ) ગામ અને રાંદલ માતાજીનું દડવા ગામ બે પ્રખ્યાત યાત્રાધામો આવેલા છે . દેશ-વિદેશથી હજારો દર્શનાર્થીઓ આ સ્થળોની મુલાકાત લે છે. પરંતુ, જ્યાં રોડ નથી બન્યો તે જૂના રોડ પર મસમોટા ગાબડાં હોવાથી મુસાફરો અને યાત્રિકોને અસહ્ય તકલીફ પડે છે. સરકારે નવા રોડ બનાવવાની મંજૂરી આપી હોવા છતાં, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૩ કિલોમીટર નવો રોડ બનાવીને ૫ કિલોમીટર જૂનો રોડ એમ આંતરે-આંતરે રોડ બનાવવામાં આવ્યો છે. આ પ્રકારે આડેધડ કરાયેલી કામગીરીને કારણે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.મયુર બી. જોષી (મુખ્યાજી, ધરાઈ હવેલી) દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, બાબરાથી રાંદલના દડવા અને વસાવડની સીમ સુધી મંજૂર થયેલો નવો રોડ કાગળ પર સંપૂર્ણપણે બન્યો હોવાનું દર્શાવાયું છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. ક્યાંક ૩ કિલોમીટર નવો રોડ તો ક્યાંક ૫ કિલોમીટર જૂનો રોડ – આવી વિસંગતતા આખા રૂટ પર જોવા મળે છે. આ પ્રકારની અધૂરી કામગીરી પાછળ સંબંધિત વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો ભ્રષ્ટાચાર ન હોય તો આવું અસંગત કામ શા માટે કરવામાં આવ્યું તે મોટો પ્રશ્ન છે.આ હાઈવે પર કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આવી સ્થિતિ ચિંતાજનક છે.આ રોડ ભાવનગર-પોરબંદર-જુનાગઢ-સોમનાથ-બગસરા જવા માટે પણ ખૂબ જ અનુકૂળ હોવાથી અહીં
એસ.ટી. બસ, પ્રાઇવેટ બસ, ટ્રક અને ખાનગી વાહનોનું પરિવહન ચોવીસ કલાક ચાલુ રહે છે. સતત ધમધમતા આ રોડ પર મુસાફરો માટે પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે.