બાબરાની દયારામ પાર્ક સોસાયટીના રહીશોએ બાબરા પોલીસ સ્ટેશનમાં એક પત્ર લખીને પાળેલા શ્વાનોના ત્રાસ અંગે ફરિયાદ કરી છે. પત્રમાં સોસાયટીના રહીશોએ ઉલ્લેખ કર્યો છે કે સોસાયટીમાં રહેતી ઉર્વશીબેન ઉપાધ્યાયએ સક્ષમ ઓથોરિટીની મંજૂરી વગર પોતાના ઘરમાં શ્વાનો રાખ્યા છે. આ શ્વાનો સોસાયટીમાં ફરતા હોય છે, જેના કારણે સોસાયટીમાં રહેતા બાળકો અને રહીશો ડર અનુભવે છે. બાળકો સોસાયટીના મેદાનમાં રમી શકતા નથી, કારણ કે શ્વાનો તેમના પર હુમલો કરે છે.પત્રમાં જણાવ્યું છે કે સોસાયટીના રહીશો દ્વારા આ બાબતે સમજાવવા છતાં તે વ્યક્તિએ શ્વાનો રાખવાનું ચાલુ રાખ્યું છે અને જે થાય તે કરી લેવાની ધમકીઓ આપે છે. દયારામ પાર્ક સોસાયટીના રહીશોએ પત્ર દ્વારા આ પાળેલા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે રજૂઆત કરી છે.








































