બાબરા અમરેલી હાઇવે પર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહનચાલકોને ખાડાઓને કારણે અકસ્માતનો ભય લાગી રહ્યો છે જેથી આ ખાડાઓ બુરવા માટે બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે મોટા વાહનોની સતત અવરજવરને કારણે રસ્તાઓ પર ખાડાઓ વધી ગયા છે જે વરસાદની સિઝનમાં ખૂબ જ ગંભીર રીતે અકસ્માત નોતરી શકે છે. શહેરીજનો દ્વારા માર્ગ અને મકાન વિભાગ તથા તાલુકા તંત્રને માર્ગની બિસ્માર હાલત અંગે રજૂઆત પણ કરી છે જોકે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. જાહેર માર્ગોની દેખભાળ કરવાની સરકારની જવાબદારી છે ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે અંતમાં માગણી કરી છે.