બાબરા મુકામે સમાજ સેવક અને અઢારેય વર્ણના નિઃસ્વાર્થ સાથી એવા ગોવાદાદા મારૂની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોવાદાદાએ જીવનભર દલિત સમાજના હક અને હિત માટે સહકારી ક્ષેત્રે કામગીરી કરી હતી અને પોતે સંત ન હોવા છતાં સંત જેવું જીવન જીવ્યા હતા. આ મહોત્સવ અંતર્ગત ગોવાદાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત શિવલિંગ સ્થાપન, માઁ જોગમાયાની સ્થાપના, જ્યોતિપાટ, મહાઆરતી, ધર્મસભા અને મહાપ્રસાદનું આયોજન થયું હતું. નિવાસસ્થાનેથી સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જગદગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ (પંચદશનામ જુના અખાડા), શામળદાસ બાપુ, ગોવિંદગીરી બાપુ, રાજેન્દ્ર બાપુ, કલ્યાણદાસ બાપુ, મહાવીર બાપુ, રૂદ્ર ભારતી સહિતના સંતો-મહંતોએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, બાવકુભાઈ ઉંધાડ, જેનીબેન ઠુંમર, નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






































