બાબરા શહેરમાં આજે ધોળે દહાડે લોહીયાળ ઘટના બની છે. સંઘના પ્રચારક અને સ્થાનિક બાઇક શોરૂમના માલિક ભરતભાઈ રાદડીયા પર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફાઇનાન્સમાં ખરીદેલ બાઇક બાબતે ચાલી રહેલી માથાકૂટમાં અમુક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈ પર તીક્ષ્ણ હથિયાર (છરી) વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈને તાત્કાલિક બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ આટકોટ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હોસ્પિટલ દોડી આવ્યા હતા. સંઘના અગ્રણી પર હુમલો થવાના સમાચાર ફેલાતા હોસ્પિટલ ખાતે લોકોના મોટા ટોળા ઉમટી પડ્‌યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જીવલેણ હુમલાની ઘટનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.