બાબરા તાલુકા અને સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બનેલા બાબરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડને દારૂની મહેફિલમાં પકડવાના બનાવને લઇ રાજકારણ ગરમાયું હતું. વિગત મુજબ કૌશિક ભરાડ પોતે એકાંતમાં એક દુકાનમાં દારૂ પીતા હતા એવા સમયે બાબરા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના અન્ય સભ્યોએ તેમની વિરુદ્ધ ખાર રાખીને બાતમીના આધારે ત્યાં જઈ તેમનો વીડિયો ઉતારીને તેમને માર માર્યો હતો.
તેમનો વીડિયો ઉતારી ધાકધમકી આપી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પછી પીધેલી હાલતમાં કૌશિક ભરાડને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પણ કૌશિક ભરાડ પોલીસ આવે તે પહેલા સામેથી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. આ બનાવને લઈ શહેર અને જિલ્લામાં ભારે ચર્ચાઓ થઇ હતી. બાબરા પોલીસે કૌશિક ભરાડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં કૌશિક ભરાડે જણાવ્યું હતું કે હું જ્યાં બેઠો હતો ત્યાં પાલીકા પ્રમુખ સહિત સહિત સભ્યએ આવીને મને ધમકાવ્યો અને કહ્યું આ દારૂની મહેફિલ તમે જાહેરમાં માણો છો એનો વીડિયો ઉતારી અમે લોકોને બતાવશું તો તમે શું કરશો અને મને સાઈડમાં લઇ માર માર્યો હતો. આ બાબતે તેમણે પોલીસમાં પ્રમુખ સહિત સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. બાબરા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.