બાબરા શહેરમાં જલારામ જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રઘુવીર સેના અને લોહાણા મહાજન જલારામ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત વીરબાઈમા સત્સંગ મંડળની બહેનો દ્વારા સવારે અન્નકૂટ અને દીપમાળના દર્શનથી થઈ હતી. ત્યારબાદ રઘુવીર સેના દ્વારા લોહાણા મહાજન વાડીથી જલારામ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ‘જય જલારામ બાપા’ના જયજયકારથી બાબરાના બજારો ગુંજી ઉઠ્યા હતા. જલારામ મંદિરે શોભાયાત્રાનું સમાપન થયા બાદ જલારામ સત્સંગ મંડળની બહેનોએ બાપાના સાનિધ્યમાં દીપમાળ અને સમૂહ આરતીનું આયોજન કર્યું હતું. જલારામ જયંતિ નિમિત્તે બંને ટાઈમ ભૂદેવો, સાધુ સમાજ તેમજ લોહાણા સમાજે સાથે મળીને બાપાના પ્રસાદનો લાભ લીધો હતો.








































