બાબરા શહેરમાં સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી હતી. ઘર પાસે કચરો સળગાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે ફરિયાદી પર હિંસક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. શૈલેષભાઇ પ્રધ્યુમનભાઇ માંડાણી (ઉ.વ.૫૧) એ શ્યામભાઇ હિંમતભાઇ તેરૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમના ઘરની દીવાલ પાસે આરોપી કચરો સળગાવી રહ્યો હતો. કચરો સળગવાને કારણે દીવાલ અને ઘરને નુકસાન થવાની ભીતિએ તેમણે આરોપીને ત્યાં કચરો ન સળગાવવા વિનંતી કરી હતી. આ બાબતે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી સાથે બોલાચાલી કરી બેફામ ગાળો ભાંડી હતી. આરોપીએ પૂર્વઆયોજિત કાવતરું હોય તેમ પોતાના રૂમાલમાં લોખંડનો ટુકડો બાંધેલો રાખ્યો હતો. ગાળાગાળી દરમિયાન આ રૂમાલ વડે તેમના માથાના ભાગે પ્રહાર કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તેમને માથામાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવા પડ્‌યા હતા, જ્યાં તેમને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ અનોપસિંહ જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.