બાબરામાં વર્ષો જુનું સામુહિક આરોગ્ય કેન્દ્ર હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ કેન્દ્રમાં જરૂરી આધુનિક સુવિધાઓનો અભાવ છે. કેન્દ્રની જગ્યા ખૂબ જ નાની હોવાથી દર્દીઓને પૂરતી અને યોગ્ય સારવાર મળી શકતી નથી. તેના પરિણામે દર્દીઓને ફરજિયાત બહારગામ રીફર કરવામાં આવે છે, જેના કારણે સમય અને પૈસાનો વ્યર્થ ખર્ચ થાય છે ,તેમજ દર્દીઓના જીવને પણ ગંભીર જોખમ ઊભું થાય છે. બાબરા તાલુકામાં કુલ ૫૯ ગામોનો સમાવેશ થાય છે, શહેર તથા તાલુકાની કુલ વસ્તી આશરે દોઢ લાખથી વધુ છે. ઉપરાંત, નજીકમાં રાજકોટ–ભાવનગર નેશનલ હાઇવે હોવાથી અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. સમયસર અને પૂરતી સારવાર ન મળવાને કારણે અનેક વખત દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બનતી હોવાનું જોવા મળે છે. બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ દ્વારા પણ લોકોના હિતમાં અગાઉ સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અત્યારની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, બાબરા શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સામુહિક આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક મંજૂર કરી તેનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.








































