લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સઘન પ્રયાસોના ફળ સ્વરૂપે બાબરા તાલુકાના મોટા દેવળીયા અને રાણપરડા ગામને જોડતા અગત્યના માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦ લાખનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરના પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂ. ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ દ્વારા રોડનું સંપૂર્ણપણે રિસર્ફેસીંગ કરવામાં આવશે, જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહનવ્યવહાર સરળ બનશે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે, તે બદલ હું મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કરું છું.








































