અમરેલી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ થઈ રહી છે જેમાં ખાસ કરીને બાબરા પંથક દેશી વિદેશી દારૂ માટે કુખ્યાત બન્યો છે. બાબરા પંથકમાંથી દારૂની બદી દૂર કરવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે આમ છતાં બુટલેગરો પોલીસને ચકમો આપી દારૂની પેટીઓ ઉતારતા હોવાનું સામે આવ્યું છે.
અમરેલી જિલ્લા પોલીસ વડાએ દારૂની બદી દૂર કરવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપતા એલસીબી પીઆઇ વી.એમ. કોલાદરાની રાહબરી નીચે એલસીબી પોલીસ બાબરા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બાબરા તાલુકના મોટા દેવળીયા ગામનો અંકિત મનુ સાનેપરા પોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હેરફેર કરે છે. જેથી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે અંકિતને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી ૨૫૨ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૧.૮૬ લાખ અને મોબાઈલ ફોન, કાર મળી રૂપિયા ૩.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા અંકિત સામે વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.








































