બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ૫ નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાથી થયેલી બબાલમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી અને ૧૦ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં બંને પક્ષે ૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ૨૯ પાટીદારો સામે નામજોગ ફરિયાદ થઈ છે. ફરિયાદમાં બે એવા વ્યક્તિના નામ છે જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારોએ એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી ૩૦૭ની કલમ દૂર નહીં કરવામાં આવે તો સુરતથી ફુલઝર જવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બેઠકમાં હાજર અલ્પેશ કથીરીયાએ સંબોધન કરતા કહ્યું કે, “એકવાર ઘા કરી જ લેવાનો ઈ છૂટે એમ આપણે પણ છૂટી જઈશું.” તેમણે પરિસ્થિતિ સુધારવા માટે દર મહિને ગામની કમિટીની રચના કરી, ૧૦-૧૦ યુવાનોએ ગામડે જવાની વાત કરી અને કોઈ સંગઠન નહીં પણ ગામનું પોતાનું સંગઠન બનાવવાની હિમાયત કરી હતી. સમગ્ર ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામડાં છે, એમાં સૌરાષ્ટ્રનાં ૧૦,૦૦૦થી વધુ ગામ છે. એમાંથી ૨૦૦-૫૦૦ ગામને બાદ કરો તો બધે આવી જ પરિસ્થિતિ છે. વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના ફૂલઝર ગામની અંદર જે ઘટના બની છે એ સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ સાચી હકીકત એવી છે કે જે રમેશભાઈ લાખાભાઈ લુણાગરિયા, જેમનું આ ઘટના દરમિયાન સુરતની અંદર ઓપરેશન ચાલુ હતું અને નરેશભાઈ કચરાભાઈ લુણાગરિયા આ ઘટનાના પૂર્વે એક દિવસ સુરતની અંદર લગ્નપ્રસંગે આવ્યા હતા, મુકેશભાઈ ધીરુભાઈ ગજેરા અને ભોળાભાઈ કુંવરજીભાઈ સાકરિયા પોતાના ગામની અંદર પોતાના ખેતરમાં કામ કરતા હતા. આવા ચાર લોકો પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને ૨૯ લોકો પર જે તીક્ષ્ણ હથિયાર દ્વારા જે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, જે ૩૦૭ની ગંભીર કલમ લગાવવામાં આવી છે, એ તદ્દન ખોટી છે, પાયાવિહોણી છે. કોના ઈશારા ઉપર આ ફરિયાદ નોંધાય છે એ અમે ઉચ્ચ લેવલે રજૂઆત કરીશું.







































