બાબરા તાલુકાના નાની કુંડળ ગામે દિવસ દરમિયાન બંધ રહેલા એક મકાનને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરોએ તાળાં તોડીને રૂ.૫ લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે જેસાભાઇ કલાભાઇ કટારીયા (ઉ.વ.૪૮) એ જાહેર કર્યા મુજબ, તેઓ અને તેમના પત્ની ખેતર વાડીએ ગયા હતા. આ દરમિયાન દિવસના આશરે ૧ વાગ્યાથી ૪ વાગ્યાની વચ્ચે ઘરના સભ્યો બહાર ગયા હોવાની તકનો લાભ લઈને કોઈ અજાણ્યો ચોર ઇસમ ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોરે ઘરના મુખ્ય દરવાજાના તાળાં અને નકૂચા તોડીને ચોરી કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ, ચોરે કબાટના દરવાજા ખોલ્યા અને અંદર રહેલા લોકરના લોક તોડી નાખ્યા હતા. સોનાનો હાર અને એક જોડી મોટી બુટ્ટી, બે સોનાની વીંટી તથા રોકડા ૧.૫૦ લાખ મળી કુલ ૫,૦૮,૭૪૭ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશના પીએસઆઈ બી.ડી. દેવુજા વધુ તપાસ કરી રહ્યા છે.