બાબરા નજીક આવેલા દિવ્યધામ વલારડી ખાતે ગિરિબાપુના વ્યાસપીઠે ચાલી રહેલી પવિત્ર શિવકથા અત્યારે ભક્તિ, શ્રધ્ધા અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો મહામેળો બની રહી છે. ‘‘હર હર મહાદેવ’’ ના ગુંજતા જયઘોષ વચ્ચે દરરોજ હજારો ભક્તો ઉપસ્થિત રહી ભગવાન શિવના મહિમાનું ભાવપૂર્વક શ્રવણ કરી રહ્યા છે. ગિરિબાપુ પોતાના સરળ અને હૃદયસ્પર્શી વક્તવ્ય દ્વારા ભગવાન શિવના ત્યાગ, તપસ્યા અને કરુણાના સંદેશને જીવન સાથે જોડીને રજૂ કરી રહ્યા છે, જેના કારણે ભક્તોમાં નવી આધ્યાત્મિક જાગૃતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત, રાત્રિના સમયે લોકડાયરો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તિ અને મનોરંજનનો સુંદર સંગમ સર્જી રહ્યા છે. આ ધાર્મિક મહોત્સવમાં ખોડલધામના નરેશભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉધાડ, જેનીબેન ઠુંમર સહિત સમાજના વિવિધ અગ્રણીઓ અને સાધુ-સંતોએ ખાસ ઉપસ્થિત રહીને કથાનો લાભ લીધો હતો. દિવ્યધામના નિર્માણ કાર્ય માટે ભક્તો પણ યથાશક્તિ દાન આપીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.










































