અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ગામમાં એક પરિવાર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતો, ત્યારે તસ્કરોએ પાછળની દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કરી સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧,૯૧,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે મધુભાઇ કુરજીભાઇ કુંભાણી (ઉ.વ.૫૦) એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ અને તેમના પત્ની ગામમાં જ આવેલા રામદેવપીરના મંદિરે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે સમયે તેમના માતા-પિતા ઘરની ઓસરીમાં સૂતા હતા. રાત્રિના આશરે ૯ઃ૩૦ થી ૧૧ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે મકાનની પાછળની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરે ઘરના ત્રીજા રૂમનો દરવાજો ખોલી અંદર રહેલા લોખંડના કબાટને નિશાન બનાવ્યું હતું. કબાટની અંદરથી જ મળી આવેલી ચાવી વડે ખાનુ ખોલીને તેમાં રાખેલા દીકરાનો સોનાનો ચેઈન-પેન્ડલ, વહુના સોનાના ચેઈન, પેન્ડલ, બુટ્ટી, કડલી અને પોંચી તેમજ ફરિયાદીના પત્નીની સોનાની બુટ્ટી, બાળકોના સોનાના ૨ ઓમકાર તથા રોકડા રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૯૧,૦૦૦ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.








































