બાબરા તાલુકાના ગરણી અને પાનસડા ગામ વચ્ચે સ્થિત પ્રાચીન સ્વયંભુ ગરણેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર સોમવારે અન્નકુટ અને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. મંદિરના મહંત કૈલાસગીરી અને અશ્વિનગીરી દ્વારા દાદાની દૈનિક સેવા-પૂજા, દીપમાળા, શણગાર, બપોરે મહાપૂજા અને સાંજે આરતી કરવામાં આવે છે. મંદિર પરિસરમાં ઊંચા વૃક્ષો અને બંને તરફ નદીઓ હોવાને કારણે અહીંનું કુદરતી વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને આકર્ષક છે, જેના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલના ટહુકાઓ સાંભળવા મળે છે. આ અનોખા વાતાવરણને કારણે દૂર-દૂરથી લોકો દર્શન માટે આવે છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહે છે.