બાબરા તાલુકાના ગરણી ગામે વહેલી સવારના સમયે એક રહસ્યમય ધડાકો થતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પંચાયત સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ તાત્કાલિક અસરગ્રસ્ત સ્થળે પહોંચ્યા હતા. તેમણે જે મકાનમાં ધડાકો થયો હતો તેની મુલાકાત લઈ નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. આ આકસ્મિક દુર્ઘટનાથી આઘાતમાં સરી પડેલા નાગજીભાઈ ચોપડા અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ધડાકાનું કારણ હજુ અકબંધ હોવાથી, પ્રભાતભાઈએ જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય તપાસની ખાતરી આપી છે.





































