અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામ પાસે ભાવનગર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. મિસ્ત્રીકામ કરીને ઘરે પરત ફરી રહેલા એક વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું. આ અંગે બાબરાની વેલનાથ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ કટકીયા (ઉ.વ.૨૬)એ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ કોટડાપીઠા ગામના રહેવાસી જયંતીભાઇ હરજીભાઇ કટકીયા (ઉં.વ. ૫૮) ગત તારીખ ૦૯/૦૧/૨૬ના રોજ રાત્રે આશરે ૦૭ઃ૪૫ વાગ્યાના અરસામાં ગામમાં રહેતા હીરાભાઇ ગમારાના ઘરેથી મિસ્ત્રીકામ પતાવીને પગપાળા બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર-રાજકોટ હાઇવે પર સરકારી દવાખાના સામેથી પસાર થતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને પૂરઝડપે ચલાવી જયંતીભાઇને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને જમણી આંખ પાસે અને ગરદનના પાછળના ભાગે ફેક્ચર તથા માથાના ભાગે ગંભીર હેમરેજ થયું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતકના પુત્રએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયદેવસિંહ ચંદુભા સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.








































