બાંગ્લાદેશ શરીફ ઉસ્માન હાદી હત્યાઃ બાંગ્લાદેશ પોલીસે જણાવ્યું છે કે શરીફ ઉસ્માન હાદીની હત્યા રાજકીય બદલો હતો. પ્રતિબંધિત આવામી લીગના ઇશારે હાદીની હત્યા કરવામાં આવી હતી. ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચના એડિશનલ કમિશનર મોહમ્મદ શફીકુલ ઇસ્લામે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે હત્યા કેસમાં ૧૭ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, “શરીફ ઉસ્માન હાદીએ જાહેર રેલીઓ અને સોશિયલ મીડિયા દ્વારા આવામી લીગ અને તેની વિદ્યાર્થી પાંખ, છાત્ર લીગની ભૂતકાળની પ્રવૃત્તિઓની આકરી ટીકા કરી હતી. તેમની સ્પષ્ટ ટિપ્પણીઓએ છાત્ર લીગ અને તેની સંલગ્ન સંસ્થાઓના નેતાઓ અને કાર્યકરોને ગુસ્સે કર્યા હતા.”
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓની રાજકીય પૃષ્ઠભૂમિ અને મૃતકના અગાઉના રાજકીય નિવેદનોને જાતાં આ હત્યા રાજકીય બદલો હતો. છાત્ર લીગ એ પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળ આવામી લીગની વિદ્યાર્થી પાંખ છે. ચાર્જશીટ મુજબ, ૧૭ આરોપીઓમાંથી ૧૨ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના ફરાર છે. ઢાકામાં હુમલા દરમિયાન હાદી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં સિંગાપોરમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ હત્યાને સ્પષ્ટ રાજકીય બદલો ગણાવી છે.
બાંગ્લાદેશ પોલીસે ઇન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન બિન હાદી (૩૨) ના હત્યા કેસમાં મહત્વપૂર્ણ અપડેટ આપી છે. જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન બાંગ્લાદેશમાં શેખ હસીનાની આવામી લીગ સરકાર વિરુદ્ધ થયેલા વિશાળ વિદ્યાર્થી આંદોલનમાં હાદી એક અગ્રણી વ્યક્તિ હતા. આ આંદોલનથી હસીના સરકારનું પતન થયું. હાદી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ઢાકા-૮ મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે આગામી સામાન્ય ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા રાજકીય બદલો હતો, જેમાં આવામી લીગ અને તેની વિદ્યાર્થી પાંખ, છાત્ર લીગને સંડોવવામાં આવી હતી. મુખ્ય આરોપી, ફૈઝલ કરીમ મસૂદ (શૂટર), છાત્ર લીગ સાથે સીધો સંકળાયેલો હતો. ઇસ્લામે જણાવ્યું હતું કે હાદીની હત્યા પલ્લબી પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ કાઉન્સીલર અને યુથ લીગના નેતા, તૈજુલ ઇસ્લામ ચૌધરી બપ્પીના કહેવાથી કરવામાં આવી હતી. બપ્પીએ મસૂદ અને અન્ય મુખ્ય શંકાસ્પદ, આલમગીર શેખને ભાગવામાં મદદ કરી હતી.
ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ અગાઉ જણાવ્યું હતું કે ચાર્જશીટ ૭ જાન્યુઆરીએ દાખલ કરવામાં આવશે. જોકે, ઇન્કલાબ મંચ માટે ન્યાયની માંગણી સાથે ઢાકામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, પોલીસે એક દિવસ વહેલા (૬ જાન્યુઆરી, ૨૦૨૬) કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. ઇસ્લામે જણાવ્યું હતું કે, “આરોપીઓ સામેના તમામ આરોપો સંપૂર્ણપણે સાબિત થયા છે, તેથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.” ચૂંટણી પહેલા આ કેસ બાંગ્લાદેશમાં રાજકીય હિંસા અને તણાવનું કારણ બની ગયો છે.






































