બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ, રાજકીય પરિદૃશ્યમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) અનુસાર, પાર્ટીના ટોચના નેતા તારિક રહેમાન ૧૭ ફેબ્રુઆરીએ નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે.
બીએનપીએ આ શપથ ગ્રહણ સમારોહને આંતરરાષ્ટÙીય સ્પર્શ આપવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, ભારત અને ચીન સહિત કુલ ૧૩ દેશોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આમંત્રિત દેશોની યાદી: ભારત,ચીન,સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, યુએઈ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ્સ,ભૂતાન
પીએમ મોદી ૧૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાના હોવાથી ઢાકા જાય તેવી શક્્યતા નથી. અહેવાલો અનુસાર, નવી દિલ્હીના એક વરિષ્ઠ સરકારી અધિકારી બાંગ્લાદેશના આગામી વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.
શુક્રવારે અગાઉ, પીએમ મોદીએ રહેમાન સાથે ફોન પર વાત કરી હતી અને બાંગ્લાદેશ સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રચંડ વિજય બદલ બીએનપી વડાને અભિનંદન આપ્યા હતા. ફોન કોલ પછી, પીએમ મોદીએ કહ્યું હતું કે, “મેં બાંગ્લાદેશના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાના તેમના પ્રયાસોમાં તેમને મારી શુભેચ્છાઓ અને સમર્થન આપ્યું છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતા બે નજીકના પડોશી તરીકે, મેં બંને દેશોના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની સતત પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે.” બાંગ્લાદેશની ચૂંટણીમાં બીએનપીએ પ્રચંડ વિજય મેળવ્યો, ૨૯૭ જાહેર કરાયેલી બેઠકોમાંથી ૨૦૯ બેઠકો જીતીને, લગભગ બે દાયકા પછી સત્તામાં પાછા ફરવાનો માર્ગ મોકળો કર્યો. પાકિસ્તાનની નજીક ગણાતી જમણેરી પાર્ટી જમાત-એ-ઇસ્લામી ૬૮ બેઠકો સાથે બીજા ક્રમની સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી આવી. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના અવામી લીગને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.