એર ઇન્ડિયા ફ્લાઇટના ભયાનક અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ હવે તેમના પરિવારોને પહોંચાડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં થયેલા આ ભયાનક વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ૨૭૪ લોકોમાંથી ૮૭ લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેમના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહો સાથે શોકગ્રસ્ત પરિવારોને પણ એક ખાસ સંદેશ આપવામાં આવી રહ્યો છે – ‘શબપેટી ખોલતા નહીં…’
આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહની ઓળખ માટે ત્રણ ફોરેન્સિક સાયન્સ લેબ ટીમો કાર્યરત છે, જે પીડિતોના હાડકા અને દાંતના નમૂનાઓને તેમના સંબંધીઓના લોહીના નમૂનાઓ સાથે મેચ કરી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા મૃતદેહોમાંથી ૯૨ નમૂનાઓનું ડીએનએ મેચિંગ પૂર્ણ થયું છે. જાકે, આ ૯૨ નમૂનાઓ ૮૭ વ્યક્તિઓના છે, કારણ કે કેટલાક કિસ્સાઓમાં એક જ વ્યક્તિના શરીરના એક કરતાં વધુ ભાગ મળી આવ્યા છે.
અત્યાર સુધીમાં, ૪૭ મૃતદેહો અમદાવાદ, ખેડા, કોટા, મહેસાણા, ભરૂચ, વડોદરા, અરવલ્લી, આણંદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને મહિસાગર જેવા જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. રવિવારે, કેટલાક પીડિતોના અગ્નિસંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી મોદી પરિવારે અમદાવાદના થલતેજ સ્મશાનગૃહમાં તેમના બે બાળકો શુભ (૨૪) અને શગુન (૨૩) ના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેઓ લંડન જવાના હતા.
આ સાથે, ચાંદખેડામાં બે લોકો, રોજર ક્રિશ્ચિયન અને રચના ક્રિશ્ચિયનનો પણ ચર્ચ પ્રાર્થના સભા પછી કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. બંને ઇંગ્લેન્ડમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યા હતા.
મહેતા પરિવારમાં પતિ-પત્નીનું આ દુર્ઘટનામાં મોત થયાં તેની પુત્રી ઋતુ મહેતા એકલી થઈ ગઈ છે. જણાવી દઈએ કે, ઋતુના માતાપિતા સુનીલ અને વર્ષા મહેતા અને બહેન મેઘાનું અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં અવસાન થયું છે. રવિવારે ફક્ત મેઘાની ઓળખ થઈ હતી અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન, ઘણા પરિવારોએ મૃતદેહોની ઓળખ કરવામાં વિલંબ અને એરલાઇનની બેદરકારી અંગે ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં રાહ જાઈ રહેલા ઇમ્તિયાઝ અલીએ કહ્યું કે, ‘૭૨ કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી કોઈ પાસેથી કોઈ માહિતી મળી નથી. મારા ભાઈ જાવેદ, તેની પત્ની અને બે બાળકો મૃત્યુ પામ્યા છે. અમે ફક્ત રાહ જાઈ રહ્યા છીએ.’
રાજ્ય સરકાર દ્વારા મૃતદેહો સોંપતી વખતે, મૃત્યુ પ્રમાણપત્ર, પોલીસ તપાસ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ (ડીએનએ મેચિંગની પુષ્ટિ સાથે), અને મૃતદેહોમાંથી મળેલા ઘરેણાં અને અન્ય વસ્તુઓ સંબંધીઓને આપવામાં આવી રહી છે. હાલમાં, દરેકના હોઠ પર એક જ વાત છે… ‘શબપેટી ખોલશો નહીં…’ કદાચ એટલા માટે કે, જે થયું તેના કરતા પણ ભયાનક શબપેટીમાં હોય શકે છે.