નેપાળની રાજધાનીથી લગભગ ૯૦ કિલોમીટર દૂર એક મોટો બસ અકસ્માત થયો. સોમવારે સવારે નેપાળના ધાડિંગ જિલ્લામાં ગજુરી નજીક એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં પડી જતાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા અને ૨૬ મુસાફરો ઘાયલ થયા. પોખરાથી કાઠમંડુ જતી બસ કાઠમંડુથી લગભગ ૯૦ કિમી પશ્ચિમમાં પૃથ્વી હાઇવે પર સવારે ૧ઃ૩૦ વાગ્યે ત્રિશુલી નદીમાં ખાબકી ત્યારે આ અકસ્માત થયો.
નેપાળ સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા વિષ્ણુ પ્રસાદ ભટ્ટે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળેથી ૧૭ મૃતદેહો મળી આવ્યા છે અને બસમાંથી ૨૮ ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ મુસાફરોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના કર્મચારીઓને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં એક ન્યુઝીલેન્ડનો પુરુષ મુસાફર પણ હતો. ઘાયલોમાં એક જાપાની અને એક ડચ મહિલા નાગરિકનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસે જણાવ્યું હતું કે ઓવરસ્પીડિંગ કારણ હોઈ શકે છે.