બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે હવે તેમની પાર્ટીમાં બ્રાહ્મણોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાર્ટીમાં બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે અને જ્યારે બસપા યુપીમાં સરકાર બનાવશે, ત્યારે બ્રાહ્મણોનું ધ્યાન રાખવામાં આવશે.માયાવતીનો ૭૦મો જન્મદિવસ હતો. તેમણે આ પ્રસંગે એક પુસ્તકનું વિમોચન કર્યું. તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી, પરંતુ તેમનું મુખ્ય ધ્યાન બ્રાહ્મણો પર હતું. માયાવતીએ ગયા મહિને ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ ભાજપ ધારાસભ્યોની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ બ્રાહ્મણોનું સન્માન કરી રહ્યું નથી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પણ ક્યારેય બ્રાહ્મણોને તેમનો હક આપ્યો નથી. તેથી, બ્રાહ્મણ સમુદાયે આ પક્ષો દ્વારા ગેરમાર્ગે દોરવું જાઈએ નહીં.
માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ દેશમાં બસપાના આંદોલનને રોકવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. તાજેતરમાં, બ્રાહ્મણ ભાજપના ધારાસભ્યોએ બેઠક અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત કરી હતી, જે સમજી શકાય તેવું છે. “અમારી પાર્ટીએ હંમેશા બ્રાહ્મણોને યોગ્ય માન આપ્યું છે. બ્રાહ્મણો કોઈની કૃપા ઇચ્છતા નથી. ભાજપ, સપા અને કોંગ્રેસ દ્વારા બ્રાહ્મણોને ગેરમાર્ગે દોરવા જાઈએ નહીં. અમારી સરકાર દરમિયાન ક્યારેય કોઈ મંદિર, મસ્જીદ કે ચર્ચ તોડી પાડવામાં આવ્યું નથી.”
માયાવતી બોલવાનું પૂરું કરે તે પહેલાં જ એક અકસ્માત થયો. માયાવતી જે રૂમમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી ત્યાં શોર્ટ સર્કિટ થયો. ધુમાડો નીકળવા લાગ્યો. માયાવતી પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે જ છોડી દીધી.
જ્યારે માયાવતીના બ્રાહ્મણો અંગેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ કહ્યું કે તેમને બ્રાહ્મણો અંગે બસપાના પ્રમાણપત્રની જરૂર નથી. દરમિયાન, માયાવતીના નિવેદન બાદ સમાજવાદી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. સપાના ધારાસભ્ય રવિદાસ મેહરોત્રાએ બસપાને ભાજપની બી-ટીમ ગણાવી. મેહરોત્રાએ કહ્યું કે માતા પ્રસાદ પાંડેને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરીને, તેમની પાર્ટીએ બ્રાહ્મણોનું સન્માન કર્યું છે અને આ વખતે સમગ્ર સમુદાય સમાજવાદી પાર્ટીને સમર્થન આપી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે બસપા સુપ્રીમો માયાવતીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. સપાના વડાએ આશા વ્યક્ત કરી કે તેઓ આગામી દિવસોમાં “બંધારણ વિરોધી” ભાજપને પડકારવાનું ચાલુ રાખશે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.” તેમણે આગળ કહ્યું, “ભગવાન શ્રી રામ તમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.”
એ નોંધનીય છે કે ૨૦૦૭માં માયાવતીએ ઉત્તર પ્રદેશમાં એક નવો પ્રયોગ કર્યો હતો, જેમાં ૮૬ વિધાનસભા બેઠકો પર બ્રાહ્મણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. માયાવતીએ તેને સોશિયલ એન્જીનિયરિંગ કહ્યું હતું. બસપાનું ચૂંટણી પ્રતીક, હાથી, દલિતો સાથે ઓળખાતું હતું, તેથી બસપાનું નવું સૂત્ર બન્યું “બ્રાહ્મણ શંખ ફૂંકશે, હાથી વધશે.” માયાવતીનું સોશિયલ એન્જીનિયરિંગ ૨૦૦૭માં સફળ રહ્યું, બસપાની ટિકિટ પર ૪૧ બ્રાહ્મણો જીત્યા, જેના કારણે માયાવતીને બહુમતી સરકાર બનાવવામાં આવી. હવે, માયાવતી ફરીથી આ પ્રયોગ કરવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગે છે.








































