રવિવારે સંસદમાં બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જૂદી જુદી જાહેરાત કરી છે. આ બજેટમાં ગુજરાત વિશે પણ કેટલીક મહત્વની જાહેરાત થઈ છે. જેમાં જામનગર, સુરત સહિતના શહેરોનો ઉલ્લેખ જાવા મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતના પૂરાતત્વ પર્યટન સ્થળો લોથલ અને ધોળાવીરા માટે પણ મહત્વની જાહેરાત જાવા મળી છે. તેમણે કહ્યું કે સરકાર લોથલ અને હસ્તીનાપુર સહિત ૧૫ મુખ્ય પુરાતત્વીય કેન્દ્રો વિકસાવશે. આ કેન્દ્રોને પર્યટન અને શિક્ષણ બંને માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
જે અંતર્ગત સરકાર દ્વારા લોકપ્રિય પર્યટન સ્થળો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. આ યોજના હેઠળ ૧૦,૦૦૦ ગાઇડ્‌સને તાલીમ આપવામાં આવશે અને તેમના કૌશલ્યને અપગ્રેડ કરવામાં આવશે જેથી પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળે.
નાણામંત્રીએ કહ્યું કે આ યોજનાથી ફક્ત રોજગાર જ સર્જન નહીં થાય પરંતુ વૈશ્વિક સ્તરે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની નવી ઓળખ ઊભી થશે.
આ સાથે નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં ગુજરાતના જામનગરને મોટી ભેટ મળી છે. દેશ વિદેશમાં આયુર્વેદના હબ તરીકે જાણીતા જામનગરમાં હવે આયુર્વેદ માટે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જામનગરમાં ડબ્લ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને વધુ અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત આયુર્વેદિક મેડિકલ સેન્ટર પણ શરુ કરવામાં આવશે. જામનગરમાં ડબ્લ્યુએચઓ સેન્ટર અને અત્યાધુનિક આયુર્વેદિક હોસ્પિટલ આવવાથી ગુજરાત મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર બનશે.
બીજી મોટી વાત જામનગર માટે એ છે કે સરકારે અહીં ફાર્મા શિક્ષણ માટે નવી એનઆઇપીઇઆર સંસ્થા શરુ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ભારતના અલગ અલગ પાંચ ઝોનમાં આ પ્રકારે બાયો ફાર્મા હબ તૈયાર કરવામાં આવશે અને તેના માટે રુ.૧૦,૦૦૦કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ ઉપરાંત સરકાર ભારતીય આયુર્વેદિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે ઉચ્ચ ગુણવત્તાના માપદંડો નક્કી કરશે. આયુર્વેદિક દવાઓના ચોકસાઈપૂર્વકના પરીક્ષણ માટે દેશભરમાં નવી નેશનલ લેબ્સ બનાવવામાં આવશે.
જામનગર બાદ બીજી મોટી ભેટ સુરત શહેરને મળી છે. સુરતના માર્કેટને ભારતના પૂર્વોત્તર રાજ્યો સાથે જાડવા માટે બંગાળના દાનકુની સાથે જાડતા કાર્ગો ફ્રેઇટ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેર કર્યું કે, સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોર તૈયાર કરાશે. નોંધનીય છે કે આ કોરિડોરથી વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સુરતની કનેકટીવિટી વધશે. આ કોરિડોરથી ગુજરાતને મોટો ફાયદો થશે. તેમની જાહેરાત મુજબ કાર્ગોની ઈકો ફ્રેન્ડલી અવરજવરને પ્રોત્સાહન આપવા માટે, પૂર્વમાં દાનકુનીને પશ્ચિમમાં સુરતને એક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી જાડવામાં આવશે.