બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બચ્ચન પરિવારે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફટ સિટીમાં એક મોટા મિક્સ-યુઝ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે આનંદ કે. પંડિતની આગેવાની હેઠળની શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ સાથે રજિસ્ટર્ડ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યા છે.
મહાનાયક અમિતાભ બચ્ચનના પરિવારે આ પ્રોજેક્ટ શ્રી લોટસ ડેવલપર્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ‘રાઇઝ રૂટ પ્રોજેક્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા અમલમાં મૂકવામાં આવશે. આ સોદો પ્રોફિટ-શેરિંગ અને એસેટ-લાઇટ મોડલ પર આધારિત છે. જમીનના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ પ્રોજેક્ટ તે જમીન પર સાકાર થશે જે અમિતાભ બચ્ચને આશરે ૧૫ વર્ષ પહેલાં ખરીદી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પાસે આવેલી આશરે ૨૩,૦૦૦ ચોરસ મીટર બિન-ખેતી ફ્રીહોલ્ડ જમીન છે. આ કરારમાં બચ્ચન પરિવાર તરફથી અભિષેક બચ્ચન કાઉન્ટરપાર્ટી તરીકે જાડાયા છે.
આ પ્રોજેક્ટનું નિર્મિત ક્ષેત્રફળ ૧૦ લાખ ચોરસ ફૂટથી વધુ હશે. કંપની આ જમીન પર લક્ઝરી રહેણાંક અને વ્યાવસાયિક એમ બંને સુવિધાઓ ધરાવતો પ્રોજેક્ટ બનાવશે. શ્રી લોટસ ડેવલપર્સનો ગુજરાતમાં આ પ્રથમ પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટ કંપનીની પેટા કંપની ‘રાઇઝ રૂટ પ્રોજેક્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેણે અભિષેક બચ્ચન સાથે કરાર કર્યો છે. આ સમજૂતીમાં નફાની ભાગીદારીની જાગવાઈ પણ સામેલ છે. જાકે, શ્રી લોટસ ડેવલપર્સે આ આગામી પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવનારા રોકાણની રકમનો હજુ ખુલાસો કર્યો નથી.
મુંબઈ સ્થિત શ્રી લોટસ ડેવલપર્સ માટે આ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો છે કારણ કે આ તેમનો ગુજરાતમાં પ્રથમ એન્ટ્રી છે. ગાંધીનગરના ગિફટ સિટીમાં આ તેમનો પ્રથમ પ્રોજેક્ટ છે. તાજેતરમાં જ કંપનીના આઇપીઓ અને એનએસઇ બીએસઇ પર લિસ્ટિંગ બાદ આ તેમનું મોટું વિસ્તરણ છે.
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને શ્રી લોટસ ડેવલપર્સ વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો છે. અમિતાભ બચ્ચન આ કંપનીમાં પ્રી-આઇપીઓ ઇન્વેસ્ટર છે અને તેઓ આ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલા અનેક અલ્ટ્રા-લક્ઝરી મકાનોના માલિક પણ છે.
આ પ્રોજેક્ટમાં ૧૦ લાખ (૧ મિલિયન) ચોરસ ફૂટથી વધુનું બાંધકામ કરવામાં આવશે. જેમાં નીચે મુજબની સુવિધાઓ હશે. જેમાં અલ્ટ્રા-લક્ઝરી રહેણાંક એકમો, ગ્રેડ-એ કોમર્શિયલ ઓફિસ સ્પેસ, પ્રીમિયમ રિટેલ શોપ્સ અને હોસ્પિટાલિટી અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્‌સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને ગિફટ સિટીમાં કાર્યરત ફાઇનાન્શીયલ ઇન્સ્ટીટ્યુશન્સ, ફિનટેક ફર્મ્સ અને આઇટી કંપનીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આગામી ૪ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે.
શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ કે. પંડિતે જણાવ્યંછ હતું કે, “પ્રગતિશીલ નીતિઓ, મજબૂત માળખાગત વિકાસ અને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા રસને કારણે ગિફ્ટ સિટી ઝડપથી એક અગ્રણી વૈશ્વિક નાણાકીય અને વ્યાપારી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતના બજારમાં વિસ્તરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં પ્રીમિયમ અને લક્ઝરી રહેણાંક અને વ્યાવસાયિક જગ્યાઓની વધતી જતી માંગને પૂરી કરવાનો છે.
તમને જણાવી દઈએ કે શ્રી લોટસ ડેવલપર્સ મુંબઈમાં શાહરૂખ ખાન, હૃતિક રોશન, ટાઈગર શ્રોફ અને જિતેન્દ્ર જેવી મોટી હસ્તીઓ માટે લક્ઝરી પ્રોજેક્ટ્‌સ બનાવવા માટે જાણીતું છે.