એક હતો બગલો. બગ્ગુ એનું નામ. મોજીલો ને ચંચળ. એનો ઠસ્સો જોવા જેવો હોય! બધા બગલાંની વચ્ચે એ જુદો તરી આવે. આંખે ચશ્માં, માથે ટોપી, સૂટ-બૂટ અને ટાઇમાં એનો વટ પડતો. એને અવનવા શોખ કરવા ખુબ ગમે. એ ટેકનોલોજીનો સારો એવો ઉપયોગ કરી જાણે. એની નજરમાંથી કોઈ માછલી કે જીવજંતુ છટકી જ ન શકે એવી એણે વ્યવસ્થા ગોઠવેલી. અન્ડર વોટર કૅમેરા ગોઠવેલા. પાણીમાં રહેતાં બધાં જીવોનું લાઈવ લોકેશન એના હાથવગું રહેતું.
એ ખાવાનો પણ ભારે શોખીન. જુદીજુદી માછલીઓ અને જીવજંતુઓની દરરોજ મિજબાની માણે. પણ દરરોજનું એક જ પ્રકારનું ભોજન ખાઈ-ખાઈ હવે તે કંટાળી ગયો હતો. મોબાઈલમાં અવનવાં સ્વાદિષ્ટ ભોજનના વીડિયો જોઈ એને પણ હોટલમાં જમવા જવાની ઈચ્છા થઈ. બગ્ગુએ હોટલમાં જમવા જવાનું મન બનાવી જ લીધું. એણે તરત મોબાઈલ હાથમાં લીધો. ટચૂકડી સ્ક્રીન પર એની આંગળીઓ ટકટક ટકટક ફરવા માંડી. એણે સારી હોટલનું લોકેશન સર્ચ કરી લીધું. શું જમવું એનું મેનુ નક્કી કરી ઓનલાઈન બુકીંગ પણ ગોઠવી નાખ્યું.
બગ્ગુની હોટલમાં જમવા જવાની વાત આખાય તળાવમાં વાયુવેગે પ્રસરી ગઈ. માછલીઓ અને જીવજંતુ રાજીરાજી થઈ ગયાં. હાશ! આજે આપણે બચવા આમતેમ ભાગાભાગ નહિ કરવી પડે. આ બગ્ગુથી આજનો દિવસ શાંતિ મળશે. આજે તો આપણા માટે આનંદનો દિવસ. બધી માછલીઓએ ભેગી થઈ તળાવમાં પાર્ટી ગોઠવી. બગ્ગુની પાર્ટી હોટલમાં ને માછલીઓની પાર્ટી તળાવમાં.
બગ્ગુ માટે આજનો દિવસ ખાસ હતો. એ ટાટમાટ થઈ હોટલ જવા ઊપડ્‌યો. ઉમળકાભેર તે હોટલમાં પહોંચી ગયો. સરસ મજાના ટેબલ પર ગોઠવાઈ ગયો. સેલ્ફી લીધી ને મસ્તમસ્ત ફોટા ખેંચ્યા. થોડીવારમાં વેઈટરે ટેબલ પર મેનુ ગોઠવ્યું. અવનવી ચટપટી વાનગીઓ જોઈ બગ્ગુના મોંમાં પાણી આવી ગયું. હવે બગ્ગુ રાહ જુએ ખરો! એણે ઝટપટ ઝટપટ ખાવાનું શરૂ કર્યું. એણે મન ભરીને ને પેટ ભરીને ખાધું. એના ઓડકારથી આખીય હોટલ ગૂંજી ઊઠી. જમ્યા પછી સોડા પીધી ને આઈસક્રીમ પણ ખાધો. આજે બગ્ગુએ બરાબર મોજ કરી. ફોટા અને વીડિયો ગ્રુપમાં મૂકયા. તળાવનાં સૌ જીવો બગ્ગુની મોજ જોઈ અચરજ પામ્યાં.
છેક મોડી રાત્રે બગ્ગુ પાછો ફર્યો ને સૂઈ ગયો. સવાર થઈ. બધાં જાગી ગયા પણ બગ્ગુ હજુ સૂતો હતો. એક બગલાએ એને જગાડવા ઢંઢોળ્યો. પણ બગ્ગુ હાલે તો ને! એ બીમાર પડ્‌યો હતો. હોટલનું વધારે પડતું ઠાંસી ઠાંસીને ખાઈ તેનું પેટ બગડ્‌યું હતું. એક બગલાએ શિખામણ આપતાં કહ્યું, ‘‘બગ્ગુભાઈ, આપડે જે ખવાતું હોય એ જ ખવાય. ને આમ ઠાંસી ઠાંસીને થોડું ખવાય. આ તમે ન ખાવાનું પેટ ભરીને ખાધું તે હવે ભોગવો.’’ બગ્ગુ કહે, ‘‘હા ભાઈ હા! આપણે તો આ તળાવ ભલું ને તળાવની માછલીઓ ભલી! હવે આવી ભૂલ કદી નહિ કરું.’’ એમ કહેતાં બગ્ગુ વળી પાછો સૂઈ ગયો.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭

 

 

આભાર – નિહારીકા રવિયા