પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે લાશને ભાવનગર એફએસએલમાં મોકલી
બગસરા મોટા બસ સ્ટેશન નજીક જ એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે લાશનો કબજા લઈ મૃત્યુનું કારણ જાણવા માટે લાશને એફએસએલ માટે ભાવનગર મોકલી આપી છે ત્યાંથી રિપોર્ટ આવ્યા પછી આકસ્મિક મોત છે કે હત્યા તેની ખબર પડશે. બગસરાના મોટા બસ સ્ટેશન નજીક જ ધીરૂ મોહનભાઈ ખીમસુરીયા(ઉ.વ.૩૧)નો મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને સૌપ્રથમ બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જા કે મોઢા પર ઈજાના નિશાન અને નાકમાંથી લોહી નીકળતું હોવાથી પોલીસે તાત્કાલિક મોતનું કારણ જાણવા લાશને ભાવનગર એફએસએલમાં મોકલી આપી છે. હાલ તો પોલીસે મોતની એડી દાખલ કરી તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે. હત્યાનું કારણ જાણવા માટે અમરેલી એલસીબી પણ બગસરા દોડી આવી હતી અને જે જગ્યાએથી યુવકનો મૃતદેહ મળ્યો તેની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. યુવકનું મોત કઈ રીતે થયું તેનો ભાવનગર એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ તો યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.










































