બગસરા નગરપાલિકા માટે ગુરૂવારના રોજ ધારી બ્રહ્મસમાજની વાડી ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. જા કે ભાજપમાં કોંગ્રેસના અમુક આગેવાનોએ પણ મન બનાવ્યુ હોવાથી આવા આગેવાનોને જાકારો આપવા માટે ભાજપ કાર્યકરો એકજૂટ થયા હોવાનુ સામે આવ્યુ છે. બગસરા નગરપાલિકા માટે ચૂંટણી પ્રક્રિયાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બગસરા પાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડવા કોંગ્રેસ, આપ સહિતના અન્ય પક્ષોનો બહોળો અનુભવ ધરાવતા આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા હતા. ગત વર્ષે ભાજપને ભાંડનારા આગેવાનો હવે ભાજપમાંથી ચૂંટણી લડવા માટેની તૈયારી કરતા હોવાની ચર્ચાઓ શરૂ થતા ભાજપ કાર્યકરોમાં છાનેખૂણે રોષ ફેલાયો છે. શહેરમાં પાલિકાએ કમરતોડ વેરા ઝીંક્યા બાદ મૂકતમાશો જાતા આગેવાનોને હવે ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે તો અન્ય વોર્ડના મતદાર હોવાછતાં કોઈપણ ભોગે ભાજપની ટિકિટ લઈ ચૂંટણી લડવા માટે તત્પરતા દાખવતા આગેવાનોને સ્થાનિક ભાજપ કાર્યકરોએ જાકારો આપવાનું મન બનાવ્યું છે. બગસરા નગરપાલિકાના ૭ વોર્ડમાંથી કુલ ૧૧૮ દાવેદારોએ સેન્સ આપી હતી ત્યારે ભાજપ વફાદાર કાર્યકર્તાઓને ટિકિટ આપે છે કે આયાતી દાવેદારને પસંદ કરે છે તે જાવાનુ રહ્યું.