બગસરા એસ.ટી. ડેપો દ્વારા સાતમ-આઠમના તહેવારો દરમિયાન આડેધડ રીતે બસ રૂટ બંધ કરી દેતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ તહેવારોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે, ત્યારે એસ.ટી. તંત્ર કમાણી કરવાને બદલે ખાનગી વાહનોને પ્રોત્સાહન આપી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બસ સેવાઓ મોટાપાયે ખોરવાઈ ગઈ છે. તા. ૧૬મી ઓગસ્ટે ૨૩ રૂટ, તા. ૧૭મીએ ૩૦, તા. ૧૮મીએ ૧૮ અને તા. ૧૯મીએ ૧૩ જેટલા રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેનાથી મુસાફરોમાં ભારે હાહાકાર મચી ગયો હતો. બગસરા ડેપોમાં કુલ ૬૦ રૂટ છે, જેના સંચાલન માટે ૧૦૮ ડ્રાઈવર અને ૧૦૮ કંડક્ટરનો સ્ટાફ છે. તાજેતરમાં સ્ટાફની ઘટ પૂરી કરવામાં આવી હોવા છતાં તહેવારોના સમયે આટલી મોટી સંખ્યામાં રૂટ બંધ થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.