બગસરામાં નજીવી બાબતે એક યુવક પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ હતી. માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલી એક હેર આર્ટની દુકાન પાસે ઉછીના પૈસાની માગણી કરી રહેલા શખ્સે, પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને યુવકના પેટમાં છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. આ અંગે અજીમ કાળુભાઇ સોલંકી (ઉ.વ.૨૩) એ રાજુભાઇ ઉર્ફે રાજુડોન અમરશીભાઇ પરમાર (ઉ.વ.૩૫) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બગસરા માર્કેટિંગ યાર્ડ રોડ પર નેશનલ લોજની બાજુમાં આવેલી મારૂતિ હેર આર્ટની દુકાન પાસે તેમના ભાઈ બેઠેલા હતા. આ દરમિયાન આરોપી ત્યાં આવ્યો હતો અને તેના ભાઈ પાસે હાથ ઉછીના રૂપિયાની માંગણી કરી હતી. જોકે, તેના ભાઈએ રોકડ રકમ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પૈસા આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આજે તો તને પતાવી જ દેવો છે તેવી ધમકી આપી આરોપીએ તેની પાસે રહેલી છરી કાઢી હતી અને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ત્રણ ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ જે ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.