શહેરીજનોને વેરાવધારાનો ડામ આપી પાલિકાએ તિજારી છલકાવી
બગસરા નગરપાલિકાએ શહેરીજનો માથે વેરાવધારાનો બોજ નાખી પોતાની તિજારી છલકાવી છે. વેરાવધારા બાદ પાલિકાને વેરા થકી વધારાની રૂ.૧ કરોડની આવક થઈ છે. બગસરા પાલિકાએ શહેરીજનો માથે પાણી વેરો રૂ.૬૦૦ને બદલે રૂ.૯૦૦, લાઈટ વેરો, ભૂગર્ભ ગટર ભાડુ સહિતના વેરા ઝીંકી દીધા છે. જેના કારણે શહેરીજનોમાં દેકારો બોલી ગયો હતો. શહેરીજનોની રજૂઆત પણ ધ્યાને લીધા વગર પાલિકાએ વેરાવધારો ઝીંકી દેતા પાલિકાની તિજારીમાં રૂ.૧ કરોડ વધુની આવક થઈ છે. આ અંગે પાલિકા પ્રમુખ પ્રતિનિધી એ.વી. રીબડીયાએ જણાવ્યું હતું કે, વેરો વધારવો જરૂરી હતો. પાલિકાની આવકમાં વધારો થયો છે તેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર નિયમિત થઈ શકશે તેમજ શહેરના વિકાસ માટે પણ આ નાણા વાપરી શકાશે. વેરાવધારો થયા બાદ પાલિકાની તિજારીમાં આવક વધતા આ નાણા લોકોની સુખાકારી માટે વાપરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું. જા કે પાલિકાએ કરેલા વેરાવધારાની સામે સામાજિક સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં અપીલ પણ કરવામાં આવી છે.