બગસરામાં આવારા તત્વો અને રોમીયોગીરી કરતા યુવાનો સામે કડક કાર્યવાહી કરવા માટે આપ આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવ્યો છે. આપ આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જિલ્લા પોલીસ વડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં આવેલી કોલેજ અને મેઘાણી હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરે છે ત્યારે શાળા-કોલેજ જવાના માર્ગ પર શાળાએ જવા અને છુટવાના સમયે રોમીયોગીરી કરતા યુવાનો આંટાફેરા કરી દીકરીઓને પજવણી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તેમજ બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરવા આવતી હોય ત્યારે બસ સ્ટેશનમાં પણ લુખ્ખાઓના આંટાફેરા વધી જતા હોવાથી રોમીયોગીરી કરતા યુવાનો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આવારા તત્વો પોલીસનો ડર રાખ્યા વગર બેફામ મોટરસાયકલ ચલાવી રહ્યાં છે ત્યારે આવા લુખ્ખાઓ સામે પોલીસ કડક હાથે કામ લે તે જરૂરી છે.