બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને મગફળીની લૂંટ થતી હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે બગસરા શહેરમાં વિવિધ તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. લોકચર્ચા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ તથા ઈડી (ED) સહિતના અધિકારીઓ તપાસ માટે આવી પહોંચ્યા હતા.
કરોડોના કૌભાંડની આશંકાને લીધે તપાસ એજન્સીઓએ વહેલી સવારે બગસરામાં ધામા નાખ્યા હતા. નજરે જોનાર લોકોના જણાવ્યા અનુસાર, બગસરા વિવિધ સહકારી સેવા મંડળીના પ્રમુખના પ્રાઈવેટ ગોડાઉનની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત એજન્સીઓ દ્વારા લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એનફોર્સમેન્ટ વિભાગે પણ ખાનગી રીતે તપાસમાં ઝુકાવ્યું હોવાની ચર્ચા છે.
મગફળી ખરીદીમાં ખેડૂતો પાસેથી ભ્રષ્ટાચાર સ્વરૂપે રકમ ઉઘરાવવામાં આવતી હોવાના અને વચેટિયાઓ દ્વારા માલ કાઢી ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતે જો તટસ્થ તપાસ થાય તો દલાલોના ટેકાથી ચાલતું વ્યવસ્થિત કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
કૌભાંડના આક્ષેપો સામે ખેડૂતોનું આવેદનપત્ર
એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કૌભાંડના આક્ષેપો સામે બગસરા તાલુકા વિવિધ સેવા સહકારી મંડળીના સમર્થનમાં ૫૦ જેટલા ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ખેડૂતોએ આક્ષેપ કરનાર કોંગ્રેસ પ્રવક્તા પર પગલાં લેવાની માંગ કરી છે. જોકે, આ ખેડૂતો મંડળી દ્વારા જ ઉભા કરવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.








































