બગસરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપના હોદ્દેદારોની નિમણૂક બાબતે વિવાદ ચાલી રહ્યો હતો છેવટે આ મુદ્દાની રજૂઆત જિલ્લા ભાજપ પ્રમુખને કરવામાં આવેલ છે તેમજ તેમણે એક સપ્તાહમાં આ પ્રશ્નનો અંત લાવવાની બાંહેધરી આપતા કાર્યકરોમાં હાશકારો થયો છે. ભાજપ દ્વારા અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ તથા મહામંત્રીની નિમણૂકની જાહેરાત કરી દેવામાં આવેલ છે. પરંતુ બગસરા શહેરના માત્ર પ્રમુખની જાહેરાત કરવામાં આવેલ હતી. બે મહામંત્રીને નિમણૂક બાબતે ખૂબ જ રાજકીય ખેંચતાણ ચાલતી હોવાથી મહામંત્રીના હોદ્દા કોઈપણને ફાળવવામાં આવ્યા ન હતા. આ બાબતે કાર્યકરોમાં ખૂબ જ નારાજગી જોવા મળતી હતી. મહામંત્રી ન હોવાને કારણે પાર્ટીના કામકાજમાં પ્રમુખ કક્ષાએથી તમામ કાર્યવાહી કરવી પડતી હતી. બગસરા શહેરમાં લોકાર્પણ માટે આવેલા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીને આ બાબતે રજૂઆત કરવામાં આવતા તેમણે આ વિવાદનો અંત ટૂંક સમયમાં લાવી એક સપ્તાહની અંદર બગસરામાં બે મહામંત્રીની નિમણૂક કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હવે જિલ્લા ભાજપના પ્રમુખનો વાયદો સાચો ઠરે છે કે વિવાદ વધે છે તે જોવાનું રહેશે.

જિલ્લા ભાજપ પ્રમુખ માત્ર વાયદાઓ જ આપે છે

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખને જયારે પણ બગસરામાં શહેર ભાજપ મહામંત્રી સહિત અન્ય હોદ્દાઓની કયારે વરણી કરવામાં આવશે તેવું પુછવામાં આવતા છેલ્લાં એક મહિનાથી તારીખ પે તારીખ આપી રહ્યાં છે. જેથી હવે જિલ્લા ભાજપ પ્રમુખે અઠવાડીયાની તારીખ આપી છે પણ કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખની તારીખમાં વિશ્વાસ નથી.

બે રાજકીય નેતાઓની ખેંચતાણમાં નિમણૂક ટલ્લે ચડી !!!

બગસરામાં શહેર ભાજપ પ્રમુખ બાદ હવે મહામંત્રીની નિમણૂકનો પ્રશ્ન ટલ્લે ચડ્યો છે. આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બે રાજકીય નેતાઓની લડાઈમાં મહામંત્રીનો પ્રશ્ન અધ્ધરતાલ રહ્યો છે. પોતાના હિતેચ્છુને મહામંત્રી બનાવવા માટે રાજકીય નેતાઓ ધમપછાડા કરી રહ્યાં છે. જા કે હવે મહામંત્રી કોણ બને છે તે આગામી સમયમાં ખબર પડી જશે.