બગસરા નગરપાલિકા દ્વારા અગ્ર સચિવ, શહેરી વિકાસ અને પ્રાદેશિક કમિશ્નર ભાવનગરની સૂચનાથી શહેરી વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચીફ ઓફિસર દિલીપભાઈ હુણ, સેનેટરી ઇન્સ્પેકટર અને વોર્ડ સુપરવાઇઝરોની ટીમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ ઝુંબેશ દરમિયાન વિઝીબલ ક્લીન્લીનેસ, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન અને પાણીનાં વેડફાટનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા પાણીનો વેડફાટ કરનાર વ્યક્તિઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં રૂ.૩૫૦૦ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. ચીફ ઓફિસર દિલીપભાઈ હુણે લોકોને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અને પાણીનો વેડફાટ ન કરવા સૂચના આપી છે. તેમણે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ તમામ વિસ્તારોની વિઝીટ ચાલુ રહેશે અને ગંદકી ફેલાવનારા અથવા પાણીનો બગાડ કરનારાઓને દંડ ફટકારવામાં આવશે.








































