અમરેલી જિલ્લાના બગસરામાં પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં એક મહિલા સાથે ઝઘડો કરી, તેનું બાવડું પકડીને જાતીય સતામણી કરવામાં આવી હોવાની અને મારપીટની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જલ્પાબેન હસમુખભાઇ ડોડીયા (ઉ.વ.૩૦)એ મહેશ જગદિશભાઇ પરમાર તથા તેમના પત્ની માધવીબેન મહેશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બગસરામાં તેના દીકરાને આરોપીઓએ પતંગ ચગાવવાની ના પાડી હતી. આ બાબતે મહિલા અને સાહેદ આરોપીને ઠપકો આપવા ગયા હતા. ત્યારે આરોપી મહેશે ઉશ્કેરાઈને કહ્યું હતું કે, ‘તારાથી કંઈ થયું નથી અને અત્યારે પણ હું જેમ કહીશ એમ જ થશે અને તારે એ જ કરવું પડશે.’
બોલાચાલી દરમિયાન આરોપી મહેશે મહિલાનું બાવડું પકડી લીધું હતું. મહિલાએ સ્વબચાવમાં એક ઝાપટ મારી તો આરોપીએ પણ વળતો હુમલો કરી મહિલાને ઝાપટ મારી હતી. ગંભીર આક્ષેપ મુજબ, આરોપીએ મહિલાનું ટી-શર્ટ ઊંચું કરી તેની જાતીય સતામણી કરી હતી અને અભદ્ર માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઝઘડા દરમિયાન અન્ય આરોપી માધવીબેન પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે પણ મહિલાને શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ બંને આરોપીઓએ એકબીજાને ગુનો કરવામાં મદદગારી કરી હતી.
જે બાદ માધવીબેન મહેશભાઇ જગદિશભાઇ પરમાર (ઉ.વ.૩૩)એ જલ્પાબેન હસમુખભાઇ ડોડીયા, તેમના ભાભી દિવ્યાબેન તથા તેમના ભાઇ વિમલ ચિત્રોડા સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ તથા સાહેદો અગાસી ઉપર પતંગ ચગાવતા હોય, ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં જઇ ‘તું કેમ અમારા ઘરમાં મારા પતિને મારી વિરૂધ્ધમાં ચડામણી કરે છે’ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇને શરીરે મોઢાના ભાગે બે ત્રણ ઝાપટ મારી દીધી હતી. દિવ્યાબેને પણ તેમને જેમફાવે તેમ ગાળો આપી હતી. વિમલે તેમનું બાવડું પકડી લઇ બ્લાઉઝમાં હાથ નાખી તેની જાતીય સતામણી કરી અભદ્ર માંગણી કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.