બગસરા એસ.ટી.ડેપોમાં ડ્રાઈવરોની ઘટ હોવાથી સંચાલન કરવું અધિકારીઓ માટે મુશ્કેલ બન્યુ છે ત્યારે મહામુસીબતે સંચાલન થતું હોય ત્યારે એક રાજકીય નેતાની ભલમાણથી એક કંડકટરને હળવી લાઈન આપવાનું કહેવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. બગસરા ડેપોમાં અંદાજે ર૮ જેટલા ડ્રાઈવરની ઘટ છે જેથી બગસરા એસ.ટી.ડેપોનું સંચાલન કરવું અધિકારી માટે માથાના દુઃખાવારૂપ બન્યુ છે. નોકરી ફાળવણી કરતા કર્મચારી મહામુસીબતે નોકરીનું સંચાલન કરે છે ત્યારે આવી  પરિસ્થિતિમાં રાજકીય નેતા દ્વારા એક કંડકટરને હળવી લાઈન આપવાનું કહેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે. જેથી અન્ય કંડકટરમાં રાજકીય નેતાના ચંચુપાતથી રોષ ફેલાયો છે. જા કે બગસરા ડેપોમાં પોતાના યુનિયનમાં રહેતા કર્મચારીઓને હળવી લાઈન મળે તેવું દબાણ કરવામાં આવતું હોવાની ચર્ચા થઈ રહી છે. યુનિયનની દખલગીરીને કારણે ઘણીવાર ડ્યુટીલિસ્ટ ત્રણ વાર બનતું હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર ડ્યુટીલિસ્ટ ફરતું હોવાથી ડ્રાઈવરને કઈ બસ ઉપાડવાની હોય તે સમજાતું નથી જેથી બસ મોડી ઉપડે છે. આમ, બગસરા ડેપોમાં યુનિયનની દખલગીરી અને રાજકીય નેતાના ચંચૂપાતથી ડેપોનું સંચાલન કરવું અઘરૂ થઈ પડ્યું છે. આ અંગે ડેપો મેનેજર ગઢવીએ જણાવ્યું હતું કે, કર્મચારીને હળવી લાઈન આપવા માટે કોઈ રાજકીય નેતાની ભલામણ આવી નથી.