બગસરામાં રહેતા એક યુવકને ત્રણ વર્ષ પહેલા થયેલી માથાકૂટના મનદુઃખમાં “તને બહુ હવા છે?” કહી ફટકારવામાં આવ્યો હતો. આરોપીઓ ગાળો આપવાની ના પાડતાં કુહાડી, ધોકો લઈ મારવા દોડ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જયેશભાઈ જયંતીભાઈ બોરીચા (ઉ.વ.૩૪)એ અલ્ફાજ ચોપડા તથા સુફીયાન ચોપડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને આરોપીઓ સાથે આશરે ત્રણેક વર્ષ પહેલા માથાકૂટ થઈ હતી. તેનુ મનદુઃખ રાખી તેઓ પોતાના મિત્રો સાથે બગસરા સતાધાર હોટલ ખાતે ચા-પાણી પીવા માટે ગયા હતા તે વખતે આરોપી અલ્ફાજ ચોપડાએ તેને “બહુ હવા છે?” તેમ કહી ગાળો આપી હતી. તેમણે ગાળો આપવાની ના પાડતા બન્ને આરોપીઓ ફરિયાદીને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારવા લાગ્યા હતા. આ સમયે તેના મિત્રો વચ્ચે પડતા આરોપીઓ કુહાડી તથા ધોકો લઇ મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જયેશ બોરીચાએ બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.