મગફળીમાં મોટાપાયે કૌભાંડ થતું હોવાના વીડિયો સામે આવ્યા બાદ
અમરેલી,તા.૦૮
બગસરામાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેનું કેન્દ્ર ગુજકોમાસોલ દ્વારા આપવામાં આવેલ છે. આ ખરીદી કેન્દ્ર પર રોજના ૧૦૦ થી પણ વધુ ખેડૂતો પોતાની મગફળી લઈને ટેકાના ભાવે વેચાણ માટે આવે છે. જે અંગે ખરીદીમાં વધારે વજન અને રોકડ રકમ લેવાતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. મગફળીમાં થતા કૌભાંડ બાબતે ખેડૂતોને પુછતા તેમણે પણ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો અને કોઈ કૌભાંડ ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે જયાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે ત્યાં સંજાગ ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ખેડૂતો પાસેથી તથ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ખરીદી કેન્દ્રમાં આવેલા ખેડૂતોએ કેન્દ્રમાં સપૂર્ણ પારદર્શિતા હોવાનું જણાવ્યું હતું. આમ, બગસરામાં ચાલી રહેલી ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં ખેડૂતોએ વિશ્વાસ વ્યકત કરી સારી વ્યવસ્થા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મગફળી કેન્દ્રની વ્યવસ્થાથી ખુશ: સુરેશભાઈ રાદડીયા
આ અંગે જુના વાઘણીયાથી મગફળી વેચવા આવેલા ખેડૂત સુરેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ટેકાના ભાવે મગફળી વેચવા આવે છે. પરંતુ આ વખતે મગફળી કેન્દ્ર પર ખુબ જ સારી વ્યવસ્થા છે. બગસરા તાલુકા વિવિધ સેવા સહકારી મંડળીના સંચાલક ભાવનાબેન સતાસીયાએ મગફળી કેન્દ્રની ખુબ જ સારી વ્યવસ્થા કરેલી છે. ખાસ કરીને વેચાણ કેન્દ્ર પર રજીસ્ટ્રેશનથી લઈ તોલ સુધી ખેડૂતોને હેરાન થવુ પડતું નથી.
તોલમાં લેવામાં આવતી મગફળીથી સંતોષ: પરેશભાઈ વેકરીયા
ઘંટીયાણ ગામના ખેડૂત પરેશભાઈ વેકરીયા જણાવે છે કે અગાઉના સમયમાં ટેકાના ભાવે માલ વેચવા આવતા હતા અને હાલમાં આવીએ છીએ ત્યારે હાલમાં ખુબ જ સારી વ્યવસ્થા છે. મગફળી ખરીદી કેન્દ્ર પર ૩પ.૮૦૦ કિલોગ્રામ મગફળી એક ગુણીમાં લેવામાં આવે છે. જેમાં તેણે સંતોષ વ્યકત કર્યો છે. મગફળી કેન્દ્રની વ્યવસ્થા પણ ખુબ સારી છે. ખેડૂતોને હેરાન થવુ પડતું નથી.
સરકારના પરિપત્ર મુજબ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે: ભાવનાબેન સતાસીયા
સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસીયાને આ બાબતે પુછતા તેમણ જણાવેલ કે, સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી બગસરામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. આ ખરીદી ખુબ જ સારી વ્યવસ્થા સાથે સરકારના પરિપત્ર મુજબ જ મગફળીની ખરીદી કરવામાં આવે છે. જા મગફળી ખરાબ હોય તો નિયમ મુજબ તેની ખરીદી કરવામાં આવતી નથી. ખરાબ મગફળી ન ખરીદવામાં આવી હોવાથી અમુક ખેડૂતોને ખરાબ લાગ્યુ હશે પરંતુ અમારી મંડળી ખેડૂતોના હિતમાં જ કાર્ય કરે છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ કાળજી લેવામાં આવે છે.






































