બગસરા તાલુકાના શીલાણા ગામ ખાતે અંદાજિત રૂ.૩૬ લાખના ખર્ચે નિર્માણ પામેલા પેટા આરોગ્ય કેન્દ્રનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત કેન્દ્રને ખુલ્લું મૂકવાની સાથે જ હવે ગ્રામ્ય સ્તરે આરોગ્યની સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે અને લોકોને સ્થાનિક કક્ષાએ જ સારવાર મળી રહેશે.
આ લોકાર્પણ પ્રસંગે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તેમજ ધારી વિધાનસભાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હરેશભાઈ ખેતાણી અને દિલીપભાઈ ગોધાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શીલાણા ગામના સરપંચ જગદીશભાઈ ચાવડા, ઉપસરપંચ કનુભાઈ વાળા તેમજ ગામના અન્ય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આરોગ્ય સેવાઓ સુલભ બનતા ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.