બગસરાના શખ્સનું ૩૦ લાખનું કૌભાંડ
સરકારી ડોકટર અને નર્સિંગમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ખંખેર્યા
ઈન્સ્ટાગ્રામથી ભોગ બનનારનો પરિચય કેળવી રૂ.૩૦.૩૮ લાખની છેતરપિંડી આચરી
બગસરામાં રહેતા એક શખ્સ દ્વારા દાહોદ પંથકના અનેક લોકોને સરકારી ડોકટર અને નર્સિગમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ફરિયાદ દાહોદ સાયબર ક્રાઈમમાં નોંધાતા દાહોદ પોલીસે બગસરા આવી એક શખ્સની ધરપકડ કરી હતી. બગસરામાં રહેતા હાર્દિક અહલપરાએ ઈન્સ્ટાગ્રામ પર દાહોદ પંથકના પાંચથી વધુ લોકોને સરકારી હોસ્પિટલમાં ડોકટર અને નર્સ બનાવવા માટે સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી. હાર્દિક અહલપરાએ સરકારી નોકરીની લાલચ આપી ૬ લોકો પાસેથી અંદાજે રૂ.૩૦ લાખ જેટલી રકમની છેતરપિંડી આચરી હતી. આ બનાવની દાહોદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા દાહોદ સાયબર ક્રાઈમના પીઆઈ પઢીયાર સહિતના પોલીસ કર્મચારીઓ બગસરા આવી પહોચ્યા હતા અને હાર્દિક અહલપરા રહે. બગસરા મૂળ અમરોલી સુરતવાળો માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું હતું. જેથી દાહોદ પોલીસ હાર્દિકની અટકાયત કરી દાહોદ લઈ ગઈ હતી. આ અંગે તપાસનીશ પીઆઈ પઢીયારે જણાવ્યું હતું કે હાર્દિકે અન્ય લોકોના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. જા કે જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
સચિવાલયમાં મારી ઓળખાણ છે તેમ કહી નાણા ખંખેર્યા
હાર્દિક અહલપરાએ ફ્રોડ આચરવા માટે પટેલ ડો.કૃણાલ નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં ભોગ બનનારને ફોન કરી જણાવ્યું હતું કે, મારી પોતાની સુરતમાં નુપુર મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ છે. કિરણ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનો ટ્રસ્ટી છું અને રાજકોટ એઈમ્સ હોસ્પિટલનો પ્રેસીડેન્ટ છું. સચિવાલયમાં મારી ઓળખાણ છે અને કોઈપણ પરીક્ષા પાસ કર્યા વગર સરકારી નોકરી અપાવું છું તેમ કહી ૬ લોકોને શીશામાં ઉતારી રૂ.૩૦,૩૮,પ૦૦ની છેતરપિંડી આચરી હતી.