બગસરામાં રહેતા એક યુવકને કાગદડી-હામાપુર રોડ પર ઉભો રાખી છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાળો બોલીને ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ સંદર્ભે જયરાજસિંહ રમેશસિંહ પરમાર (ઉ.વ.૨૫)એ કૌશલરાજ ઉર્ફે નાનો દુડી બટુકભાઈ ધાંધાલ, મયંક કોટીલા તથા કમલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદ આશિષ વાંક રહે.જેતપુર સાહેદની ફોરવ્હીલ લઇ પરત ફરતા હોય તે દરમિયાન આરોપીઓ રસ્તા વચ્ચે ઉભા રહેતા તેમણે ફોરવ્હીલ ગાડી ઉભી રાખી હતી. કૌશલરાજ તેમની પાસે આવી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ પોતાના નેફામાંથી છરી કાઢી મારવા માટે હુમલો કર્યો હતો. આ સિવાયના બંને આરોપીએ તેમને પકડી ફોરવ્હીલમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી તેમણે ફોરવ્હીલનો દરવાજો ખોલવા ન દેતા મારી નાખવાના ઇરાદે ગળા તરફ છરી મારવા જતા હાથ આડો રાખતાં ઇજા પહોંચી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. સાળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.